ગુજરાતમાં ભાજપે સપાટો બોલાવ્યો એ ખરું પણ જાણો ક્યાં ભાજપની થઇ પાછી પાની

08 December, 2022 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

82 બેઠકોના ટ્રેન્ડમાં ભાજપ છવાઇ છે એટલું જ નહીં પણ ભાજપે આખરે કોંગ્રેસના મોટા માથા ગણાતા માધવસિંહ સોલંકીએ મેળવેલી બેઠકોના ઐતિહાસિક આંકડાને પણ પાર કર્યો છે. પરંતુ એવું નથી કે ભાજપ માટે બધે બખ્ખેબખ્ખા છે

પ્રતીકાત્મક તસવીર - આઇ સ્ટૉક

જરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને ભાજપમાં તો ઓચ્છવનો મિજાજ છે જ. 182 બેઠકોના ટ્રેન્ડમાં ભાજપ છવાઇ છે એટલું જ નહીં પણ ભાજપે આખરે કોંગ્રેસના મોટા માથા ગણાતા માધવસિંહ સોલંકીએ મેળવેલી બેઠકોના ઐતિહાસિક આંકડાને પણ પાર કર્યો છે. પરંતુ એવું નથી કે ભાજપ માટે બધે બખ્ખેબખ્ખા છે.

દિલ્હી એમસીડીમાંથી ભાજપે સત્તાથી હાથ ધોવા પડ્યા છે અને 15 વર્ષમાં પહેલી વાર અહીં ભાજપા પર આપનું ઝાડુ ફરી વળ્યું છે. આપને અહીં 104 બેઠક મળી છે. વળી હિમાચલ પ્રદેશમાં પણ ભાજપનો ગજ નહીં વાગે એવી વકી છે.  કલાક પહેલાંના ટ્રેન્ડ અનુસાર ભાજપના હાથમાં માત્ર 26 બેઠકો આવે એવો ઘાટ હતો અને સામે કોંગ્રેસને 39 બેઠકો મળી. 

આ પણ વાંચોઃ Gujarat Results Bullet Points: 11 ડિસેમ્બરે યોજાઈ શકે છે ભવ્ય શપથ સમારોહ


દેશમાં પેટા ચૂંટણીઓ પણ ચાલી રહી છે અને ગુજરાતના ઘોંઘાટમાં ત્યાંના પરિણામો આંખે ઉડીને નથી વળગી રહ્યા. આ ચૂંટણીઓ પર નજર કરીએ તો બિહારમાં કુધાની વિધાનસભા પેટા ચૂંટણીમાં 11 રાઉન્ડની મતગણતરી પછી જેડીયુના ઉમેદવાર ભાજપના ઉમેદવારથી 1000થી વધુ મતથી આગળ હતા તો છત્તીસગઢમાં ભાનુપ્રતાપપુર બેઠકે પણ કોંગ્રેસે ભાજપાને બાજુમાં ધકેલી હતી. વળી ઓરિસ્સા વિધાનસભાની પેટાચૂંટણીમાં પદમપુર બેઠકે બીજુ જનતા દળે ભાજપાને બીજા નંબરે રાખી છે.  પણ રામપુર સદરમાં પેટાચૂંટણીમાં ભાજપ પાછળ હોવાનું દેખાયું અને સમાજવાદી પક્ષના અસીમ રાજાએ ભાજપના ઉમેદવારને પાછળ છોડ્યા હોવાની એંધાણી હતી જો કે અંતે બાજી પલટાઇ અને ભાજપાના ઉમેદવારે સપાના આસિમ રઝાને પછડાટ આપી હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો હતો. વળી આરએલડીના ઉમેદવાર મદનભૈયાએ પણ 8000 પ્લસ વોટથી ભાજપાના ઉમેદવારને પાછળ છોડ્યા. આ તરફ ગુજરાતના સાવ બાજુના રાજ્ય રાજસ્થાનમાં સરદારશહેર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની વલે થઇ છે કારણકે ભાજપના ઉમેદવાર અશોકકુમારને કોંગ્રેસના અનિલ કુમાર શર્માએ 20000થી વધુ મતોથી પાછળ રાખ્યા છે. 
ગઢ જીતેલા ભાજપને નાના નાના કોર્નર્સ કવર કરવાની પણ સ્ટ્રેટેજી મજબુત કરવી પડશે એમ લાગે છે. વિદ્રોહી નેતાઓ ભાજપાને આ રીતે ભારે પડ્યા છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

bharatiya janata party Gujarat BJP Gujarat Congress assembly elections himachal pradesh rajasthan bihar elections