મિશન 2019: રામલીલા મેદાનથી ભાજપ આજે ફૂંકશે ચૂંટણીનું રણશિંગુ

11 January, 2019 12:06 PM IST  | 

મિશન 2019: રામલીલા મેદાનથી ભાજપ આજે ફૂંકશે ચૂંટણીનું રણશિંગુ

લોકસભાની ચૂંટણીનો થશે શંખનાદ

2014ની ચૂંટણી પહેલા જે રીતે પીએમ મોદીએ દિલ્હીના રામલીલા મેદાનથી શંખનાદ કર્યો હતો, તેવી જ રીતે 2019ની લોકસભા ચૂંટણીનો શંખ પણ ત્યાંથી જ ફૂંકાશે. આજથી ભાજપની સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદની બેઠક દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. જેમાં પીએમ મોદીથી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને દેશભરમાંથી ભાજપના હજારો કાર્યકર્તાઓ હાજર રહેશે. આ પરિષદમાં પીએમ મોદી અને અમિત શાહ કાર્યકર્તાઓના કાનમાં જીતનો મંત્ર ફૂંકશે તો સરકારની ઉપલબ્ધિઓ ગણાવાશે સાથે જ વિપક્ષ પર પણ નિશાન સાધશે.

જાન્યુઆરી 2014માં આ જ રામલીલા મેદાનમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો વિચાર મૂક્યો હતો. ચૂંટણી પહેલા તે ભાજપની છેલ્લી રાષ્ટ્રીય પરિષદ હતી.આ વખતે પીએમ મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે વાત કરશે. તેમની સરકાર દરમિયાન આવેલા પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ માટે લેવાયેલા પગલાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બદલાયેલી છબી વિશે પણ વાત થશે.

શુક્રવારે અમિત શાહ પરિષદને સંબોધન કરીને શરૂઆત કરશે. તો પીએમ મોદી શનિવારે સમાપન ભાષણ આપશે. મળતી માહિતી મુજબ ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં રાજકીય અને સુરક્ષા સહિતના મુદ્દે ત્રણ મહત્વના પ્રસ્તાવ પણ પ્રસાર કરાશે.

આ પણ વાંચોઃ 2 દિવસ રામલીલા મેદાનમાંથી ચાલશે મોદી સરકાર, બનશે કામચલાઉ PMO

મનાઈ રહ્યું છે કે આ પરિષદમાં પીએમ મોદી અને અમિત શાહ વિપક્ષના આરોપોનો પણ જડબાતોડ જવાબ આપશે. તો ઓબીસી આયોગ, ટ્રિપલ તલાક, અનામત જેવા મુદ્દે વિપક્ષના વલણ પર પણ સવાલ ઉઠાવાશે. મહાગઠબંધનમાં ચાલી રહેલી ખેંચતાણનો મુદ્દો ઉઠશે. ભાજપની આ પરિષદમાં 10 હજારથી વધુ કાર્યકર્તાઓ આવે તેવી શક્યતા છે.

 

narendra modi amit shah bharatiya janata party