‘મુઝે ચલતે જાના હૈ...’ બીજેપીએ વિડિયો દ્વારા ૨૦૨૪ના પ્લાનની ઝલક આપી

17 March, 2023 12:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શરૂઆતમાં ૨૦૦૭માં ગુજરાતના સીએમ લખેલું છે, જેના પછી મોદી વધુ પગથિયાં ચડે છે.

બીજેપીના ઍનિમેટેડ વિડિયો ‘મુઝે ચલતે જાના હૈ...’માંથી ગ્રૅબ કરવામાં આવેલી ઇમેજિસ.

નવી દિલ્હી : બીજેપીએ મિશન ૨૦૨૪ની તૈયારી શરૂ કરી દીધી છે, જેના માટે આ પાર્ટીએ એક ઍનિમેટેડ વિડિયો દ્વારા બતાવ્યું છે કે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે એનો શું પ્લાન છે. આ વિડિયો દ્વારા બીજેપીએ પોતાના પ્લાનની ઝલક પણ રજૂ કરી છે. આ વિડિયોનું ટાઇટલ છે ‘મુઝે ચલતે જાના હૈ...’ આ વિડિયોમાં બીબીસીની ડોક્યુમેન્ટરીના પ્રકરણને પણ રજૂ કરાયું છે.

​વિડિયોમાં શું છે?

આ વિડિયોમાં મોદી સરકારના શાસનનાં છેલ્લાં ૯ વર્ષમાં કરવામાં આવેલાં કામોની ઝલક રજૂ કરવામાં આવી છે. આ વિડિયોમાં એ પણ બતાવાયું છે કે પીએમ મોદી કેવી રીતે વિપક્ષના નેતાઓના નિશાન પર રહ્યા છે. ગુજરાતના સીએમથી લઈને નરેન્દ્ર મોદીની ૨૦૧૪ અને ૨૦૧૯માં પીએમ બનવા સુધીની જર્ની કેવી રહી એ પણ રજૂ કરવામાં આવી છે.

‘મૌત કા સૌદાગર’

આ વિડિયોની શરૂઆતમાં મોદી પગથિયાં ચડતાં જોવા મળે છે. શરૂઆતમાં ૨૦૦૭માં ગુજરાતના સીએમ લખેલું છે, જેના પછી મોદી વધુ પગથિયાં ચડે છે. સોનિયા યમરાજ તરફ ઇશારો કરે છે, યમરાજ જે ભેંસ પર બેઠા છે એના પર લખવામાં આવ્યું છે ‘મૌત કા સૌદાગર’. સોનિયા ગાંધીની સાથે મણીશંકર ઐયર ચાની કીટલી સાથે જોવા મળે છે. આ બધા વચ્ચે મોદી હસતાં-હસતાં આગળ વધે છે. વિડિયોમાં મોદીને રોકવા કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વધુ કોશિશને પણ રજૂ કરવામાં આવી છે. મોદી ૨૦૧૪માં પીએમની ખુરશી સુધી પહોંચે છે, જેના પછી તેઓ વધુ પગથિયાં ચડે છે અને કેન્દ્ર સરકારની જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવે છે. આ વિડિયોના અંતે પાંચ ટ્રિલ્યન ઇકૉનૉમી લખેલું જોવા મળે છે.

national news new delhi narendra modi Lok Sabha assembly elections bbc congress bharatiya janata party