ઝારખંડમાં નક્સલવાદીઓની કમર તોડી બીજેપીએ : મોદી

04 December, 2019 12:32 PM IST  |  Jharkhand

ઝારખંડમાં નક્સલવાદીઓની કમર તોડી બીજેપીએ : મોદી

નરેન્દ્ર મોદી (PC : PTI)

(જી.એન.એસ.) ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા રાઉન્ડ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બે સ્થળે ચૂંટણી જાહેર સભાઓને સંબોધી હતી. ખૂંટી ખાતે આયોજિત સભામાં તેમણે કેન્દ્ર સરકારની અનેક ઉપલબ્ધિઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. વડા પ્રધાને ઝારખંડમાં બીજેપીની સરકારે પાંચ વર્ષમાં નક્સલવાદીઓની કમર તોડી નાખી હોવાનો દાવો કરીને કહ્યું હતું કે ઝારખંડના લોકોનું માનવું છે કે માત્ર બીજેપી જ રાજ્યનો વિકાસ કરી શકે છે.

કૉન્ગ્રેસને નિશાન બનાવીને તેમણે જણાવ્યું કે કૉન્ગ્રેસ છત્તીસગઢમાં જૂઠું બોલીને સત્તા પર આવી હતી. કૉન્ગ્રેસ  પોતાનાં વચનો પૂરાં કરવાને બદલે કપટ અને સ્વાર્થનું રાજકારણ રમ‌ી હતી. અમે ખેડૂતોને સન્માન ભંડોળમાંથી આર્થિક મદદ પૂરી પાડવાનું કામ કર્યું છે.

વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મુના નામનો ઉલ્લેખ કરીને કાશ્મીરના મુદ્દાને આદિવાસી રાજ્ય ઝારખંડની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાજ્યપાલ મુર્મુ આદિવાસી સમાજના છે. તેને સાંકળીને મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હવે હટાવી દેવામાં આવી છે. હવે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આગળ વધારવાની જવાબદારી આદિવાસી વિસ્તારમાં ઊછરેલા ઉપરાજ્યપાલના ખભા પર છે. મુર્મુ ૧૯૮૫ બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. ઓડિશાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં જન્મેલા મુર્મુને મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી સોંપવામાં આવી છે જેની જવાબદારી રાજ્યના વિકાસ માટે છે. આ જોતાં પીએમ મોદીએ ઝારખંડમાં કાશ્મીરકાર્ડ ચલાવ્યો છે.

વડા પ્રધાને રામમંદિર ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે કૉન્ગ્રેસે પોતાના રાજમાં રામજન્મભૂમિના મુદ્દાને લટકાવી રાખ્યો હતો, પરંતુ બીજેપીએ એનો પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલી લાવીને હવે રામમંદિર અયોધ્યામાં જ બને એવો માર્ગ સરળ કર્યો છે. ભગવાન શ્રીરામે વનવાસ માટે અયોધ્યા છોડ્યું ત્યારે રામ એક રાજકુમાર હતા, પરંતુ જ્યારે તેઓ વનવાસથી પાછા આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા હતા. આમ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ બનાવવામાં આદિવાસીઓની મહત્ત્વની ભૂમિકા હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા પહેલાં જ વડા પ્રધાન મોદીએ ૨૫ નવેમ્બરે બે મોટી ચૂંટણી બેઠક યોજી હતી. આ સમય દરમ્યાન વડા પ્રધાને ડાલ્ટનગંજ અને ગુમલામાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું.

narendra modi jharkhand