ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સિન iNCOVACC લોન્ચ, જાણો કિંમત અહીં

26 January, 2023 04:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya), વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે ગુરુવારે (26 જાન્યુઆરી) ભારત બાયોટેકની નેઝલ કોરોના વાયરસની રસી iNCOVACC લોન્ચ કરી છે. ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા બનાવવામાં આવેલી આ રસી સરકારને 325 રૂપિયા પ્રતિ ડોઝમાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે. હેટરોલોગસ બૂસ્ટર માટે આ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેઝલ કોવિડ રસી છે.

ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ 18 વર્ષ અને તેથી વધુ વય જૂથ માટે કટોકટીની પરિસ્થિતિઓમાં ઇન્ટ્રાનેઝલ રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી. તે એક ખર્ચ-અસરકારક કોવિડ રસી છે, જેને સિરિંજ, સોય, આલ્કોહોલ વાઇપ્સ, પાટો વગેરેની જરૂર નથી.

કોવિન પર ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો

રસીના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવાના હોય છે. રસી ઉત્પાદક ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, કોવિન વેબસાઇટની મુલાકાત લઈને ઇન્ટ્રાનેઝલ રસીના ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે. iNCOVACC વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લૂઇસ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી હતી.

ભારત બાયોટેકે પ્રી-ક્લિનિકલ સલામતી મૂલ્યાંકન, ઉત્પાદન સ્કેલ અપ, ફોર્મ્યુલેશન અને ડિલિવરી ડિવાઇસ ડેવલપમેન્ટ માટે માનવ ક્લિનિકલ ટ્રાયલ્સ પણ હાથ ધરી હતી. બાયોટેકનોલોજી વિભાગના કોવિડ પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે આંશિક રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

ભારત બાયોટેકની રસી છે `ગ્લોબલ ગેમ ચેન્જર`

ઇન્ટ્રાનેઝલ વેક્સિનને `ગ્લોબલ ગેમ ચેન્જર` તરીકે ગણાવતાં, ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના એલ્લાએ જણાવ્યું હતું કે, “અમને ઇન્ટ્રાનાસલ વેક્સિન ટેક્નોલોજી અને ડિલિવરી સિસ્ટમ્સમાં વૈશ્વિક ગેમ ચેન્જર iNCOVACCની મંજૂરીની જાહેરાત કરતાં ગર્વ થાય છે. કોવિડ-19 રસીની માગના અભાવે, અમે ભવિષ્યના ચેપી રોગો માટે પ્લેટફોર્મ તકનીકો સાથે સારી રીતે તૈયાર છીએ તેની ખાતરી કરવા માટે અમે ઇન્ટ્રાનેઝલ રસીઓમાં ઉત્પાદન વિકાસ ચાલુ રાખ્યો છે.”

આ પણ વાંચો: Attention! DGCAએ આપી પ્રવાસીઓને મોટી રાહત, આમ થતાં મળશે રિફન્ડ

ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ વેક્સિન

આ વેક્સિન ઇન્જેક્શનને બદલે નાકમાં ડ્રૉપ નાખીને લઈ શકાશે. આથી તેમને પણ રાહત મળશે જેમને ઇન્જેક્શનનો ડર લાગે છે. આ વેક્સિન 18 વર્ષથી વધારેની ઊંમરના લોકોને આપી શકાશે. વેક્સિન ક્લીનિકલ ટ્રાયલમાં પહેલા સીડીએલ કસૌલીમાંથી પાસ થઈ ચૂકી છે.

national news covid vaccine vaccination drive coronavirus new delhi