બદ્રીનાથના કપાટ ખુલતાં જ `જય બદ્રી વિશાલ`ના નાદ ગુંજ્યા, શ્રદ્ધાળુઓની જામી ભીડ

23 April, 2026 02:27 PM IST  |  Chamoli | Gujarati Mid-day Online Correspondent

Badrinath Dham reopens: આજે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા; મંદિરનું પરિસર `જય બદ્રી વિશાલ`ના નાદથી ગુંજી ઉઠ્યું; ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કર્યો અભિષેક; ૨૫ ક્વિન્ટલ ફૂલોથી શણગારેલા મંદિરે ધ્યાન ખેંચ્યું; ચાર ધામ યાત્રા હવે પૂરજોશમાં શરૂ

તસવીર સૌજન્યઃ એએનઆઈ

ભગવાન વિષ્ણુના આઠમા વૈકુંઠ ગણાતા બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના કપાટ આજે વહેલી સવારે શુભ મુહૂર્તમાં શ્રદ્ધાળુઓ માટે ખોલી (Badrinath Dham reopens) દેવામાં આવ્યા છે. આ પવિત્ર અવસરે ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) ઉપસ્થિત રહ્યા હતા. શિયાળાના વિરામ બાદ મંદિરના દ્વાર ખુલવાની આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના અંદાજે ૧૫,૦૦૦ જેટલા ભક્તો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખુલતાની સાથે જ યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વહેલી સવારે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ

ઉત્તરાખંડના ચમોલી (Chamoli) જિલ્લામાં આવેલ બદ્રીનાથ મંદિરના કપાટ ૨૩ એપ્રિલ, ગુરુવારના રોજ વહેલી સવારે ૬:૧૫ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ-વિધાન સાથે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ પવિત્ર અવસરે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા.

ફુલોથી સજાવ્યું બદ્રીનાથ ધામ

ભગવાન બદ્રીનાથના દિવ્ય દર્શન માટે મંદિરને ૨૫ ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમ વખત ભગવાન બદ્રી વિશાલના મંદિરમાં ફૂલોની મદદથી "ઓમ્ લક્ષ્મીપતિ નમો" લખવામાં આવ્યું છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની સાથે જ હવે ઉત્તરાખંડના ચારેય ધામ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે ખુલી ગયા છે. આ સાથે જ ચારધામ યાત્રા (Char Dham Yatra)એ હવે પૂરજોશમાં વેગ પકડ્યો છે અને સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કર્યા બદ્રીનાથ ધામના દર્શન

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)એ આજે બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (X) પર તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘જેઓએ ભૂમિ-વૈકુંઠમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે, તેવા ચાર પુરુષાર્થોના દાતા, દેવોના દેવ અને બ્રહ્માંડના સ્વામી શ્રી બદ્રીશને હું પ્રણામ કરું છું.’

ધામીએ આગળ લખ્યું હતું કે, ‘ભગવાન શ્રી હરિ વિષ્ણુની પવિત્ર ભૂમિ શ્રી બદ્રીનાથ ધામના દ્વાર ખુલવાના શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હિમાલયના ખોળામાં વસેલું આ દિવ્ય ધામ લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા, શાશ્વત પરંપરાઓ અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક છે. આ પવિત્ર અવસરે અલૌકિક ભક્તિ, દિવ્ય ઉર્જા અને અસાધારણ આધ્યાત્મિક અનુભવે હૃદયને ઊંડી સંવેદનાઓથી ભરી દીધું હતું.’

નોંધનીય છે કે, બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના પવિત્ર ચાર ધામોમાંનું એક છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક ગણાય છે. જેમાં ગંગોત્રી ધામ (Gangotri Dham), યમુનોત્રી ધામ (Yamunotri Dham), કેદરાનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath)નો સમાવેશ થાય છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામ અનુક્રમે ગંગા માતા અને યમુના માતાને સમર્પિત છે, જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે રવિવાર, ૧૯ એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવા સાથે થયો છે. કેદારનાથ ધામના દ્વાર બુધવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખુલ્યા હતા અને આજે ગુરુવાર, ૨૩ એપ્રિલના રોજ સવારે ૬:૧૫ વાગ્યે બદ્રીનાથ ધામના મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.

badrinath char dham yatra uttarakhand pushkar singh dhami national news news