Ayodhya Case : જાણો કયા પાંચ જજે ઐતિહાસિક ચુકાદો આપ્યો

10 November, 2019 02:00 PM IST  |  New Delhi

Ayodhya Case : જાણો કયા પાંચ જજે ઐતિહાસિક ચુકાદો આપ્યો

અયોધ્યાના ચુકાદો આપનાર પાંચ જજ

(જી.એન.એસ.) અયોધ્યાના ઐતિહાસિક શ્રીરામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ શનિવાર સવારે ૧૦.૩૦ વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે રેકૉર્ડ ૪૦ દિવસ સુધી આ કેસની સુનાવણી કરી. આવો જાણીએ અયોધ્યા મામલે કેસનો ચુકાદો આપનાર આ પાંચ જસ્ટિસ વિશે...

1. જસ્ટિસ રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેન્ચની આગેવાની કરી રહ્યા છે. તેમણે ૩ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યો હતો. ૧૮ નવેમ્બર ૧૯૫૪ના રોજ જસ્ટિસ રંજન ગોગોઈનો જન્મ થયો હતો. તેમણે ૧૯૭૮માં બાર કાઉન્સિલ જોઇન કર્યું હતું. તેમણે શરૂઆત ગુવાહાટી કોર્ટથી કરી હતી, ૨૦૦૧માં તેઓ ગુવાહાટી કોર્ટમાં જજ બન્યા હતા. ત્યાર પછી પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં તેમની ૨૦૧૦માં જજ તરીકે નિમણૂક થઈ. ૨૦૧૧માં તેઓ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ૨૩ એપ્રિલ ૨૦૧૨માં જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ચીફ જસ્ટિસ તરીકે તેમના કાર્યકાળમાં તેમણે ઘણા ઐતિહાસિક કેસના ચુકાદા આપ્યા છે. તેમાં એનઆરસી અને જમ્મુ-કાશ્મીર કેસની અરજીઓ પણ સામેલ છે.

2. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ. એ. બોબડે)

આ બેન્ચમાં બીજા જજ જસ્ટિસ એસ. એ. બોબડે છે. ૧૯૭૮માં તેઓ બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યાર પછી બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં લૉની પ્રેક્ટિસ કરી, ૧૯૯૮માં સિનિયર વકીલ બન્યા. વર્ષ ૨૦૦૦માં તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં એડિશનલ જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ત્યાર પછી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટની જજ તરીકે કમાન સંભાળી હતી. જસ્ટિસ એસ. એ. બોબડે ૨૩ એપ્રિલ ૨૦૨૧માં નિવૃત્ત થશે.

3. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ૧૩ મે ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં આવ્યા તે પહેલાં અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ બૉમ્બે હાઈ કોર્ટમાં પણ જજ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ દુનિયાની ઘણી મોટી યુનિવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજ તરીકે નિયુક્ત થતાં પહેલાં તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણા મોટા કેસની પેનલમાં રહી ચૂક્યા છે.

4. જસ્ટિસ અશોક ભૂષણ

જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશના જોનપુરમાં થયો હતો. અહીં તેઓ ૧૯૭૯માં યુપી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યાર પછી અલાહાબાદ હાઈ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય તેઓ અલાહાબાદ હાઈ કોર્ટમાં ઘણાં પદ સંભાળી ચૂક્યા છે અને ૨૦૦૧માં અહીં જ જજ તરીકે નિયુક્ત થયા. ૨૦૧૪માં તેઓ કેરળ હાઈ કોર્ટના જજ નિમાયા અને ૨૦૧૫માં અહીં ચીફ જસ્ટિસ બન્યા. ૧૩ મે ૨૦૧૬માં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

આ પણ જુઓ : તમને ખબર છે, રામમંદિર બનાવવા માટે પગથી માપ લેવાયું હતું

5. જસ્ટિસ અબ્દુલ નઝીર

અયોધ્યા મામલે બેન્ચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે ૧૯૮૩માં વકીલાત શરૂ કરી હતી. તેમણે કર્ણાટક હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યાર પછી ત્યાં જ એડિશનલ જજ અને પરમેનન્ટ જજનો કાર્યભાર સંભાળ્યો. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

supreme court ayodhya verdict