અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કરશે, હંગામાના એંધાણ

08 December, 2019 10:35 PM IST  |  New Delhi

અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કરશે, હંગામાના એંધાણ

અમિત શાહ

સોમવારે લોકસભામાં હંગામો થવાના એંધાણ મળી રહ્યા છે. ભારતના ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરીકતા સુધારા બિલ રજૂ કરશે. પણ આ બિલનો કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, ડાબેરીઓ અને સપા સહિતના વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે જ આ બિલને મંજુરી આપી દીધી હતી. ભાજપ પાસે આ બિલ પસાર કરવા માટે લોકસભામાં પુરી સંખ્યા છે. ત્યારે વિપક્ષોના વિરોધ વચ્ચે આ બિલ પસાર કરવા પહેલા લોકસભામાં મોટાપાયે હંગામો થઇ શકે છે.

આ બિલ પર શશી થરૂરે વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશી થરૂરે કહ્યું કે જો આ વિધેયક પસાર થશે તો તેનો અર્થ એ છે કે મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલી જિન્નાના વિચારોનો વિજય થશે. ધર્મના આધારે નાગરિકત્વ આપવાથી ભારત પાકિસ્તાનની હિન્દુ આવૃત્તિ બની જશે. સીપીઆઈના સીતારામ યેચુરીએ રવિવારે કહ્યું કે તેઓ વિધેયકમાં બે સુધારા ઇચ્છે છે. તેમાંથી ચોક્કસ ધર્મ અંગેની જોગવાઈ હટાવવામાં આવે.

વિધેયકના વિરોધમાં પૂર્વોત્તર આજથી બંધ

આસામમાં બિલના વિરોધ કરી રહેલા સંગઠનોએ રવિવારે દીબ્રુગઢમાં ભાજપના સહયોગી પક્ષ એજીપીની ઓફિસમાં તોડફોડ કરી હતી. લગભગ 100 જેટલા દેખાવકારોએ ખુરશીઓ અને કમ્પ્યુટર તોડી નાંખ્યા હતા. પૂર્વોત્તરના રાજ્યોમાં આસુ સહિતના વિદ્યાર્થી અને નાગરિક સંગઠનોએ બિલના વિરોધમાં સોમવારથી બંધનું એલાન આપ્યું છે. સોમવારે 1 વાગ્યાથી 11 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધી મણિપુરમાં પણ હડતાળ રહેશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

પાડોશમાંથી આવેલા લઘુમતીઓને નાગરિકત્વ આપવું ભારતનું કર્તવ્ય
ભાજપના મહાસચિવ રામમાધવે જણાવ્યુ હતુ કે, પાડોશી દેશમાં લઘુમતીઓને હેરાન કરવામાં આવે છે. ભારતનું કર્તવ્ય છે કે આવા લોકોને નાગરિકત્વ આપે. બિલના ટીકાકારોએ યાદ રાખવું જોઈએ કે નહેરુ સરકારે ગેરકાયદે ઘૂસણખોરો અને ખાસ કરીને પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આવેલા લોકોને નિર્વાસિત કરવા માટે 1950માં આ પ્રકારનો જ કાયદો બનાવ્યો હતો.

amit shah Lok Sabha national news