હવે નહીં ચાલે ત્રણ પરિવારની દાદાગીરી : અમિત શાહ

25 October, 2021 11:03 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

જમ્મુમાં રૅલી દરમ્યાન કૉન્ગ્રેસ, ફારુખ અને મેહબૂબા પર ગૃહપ્રધાને કર્યો સીધો હુમલો

જમ્મુમાં એક રૅલી દરમ્યાન અમિત શાહ (તસવીર : પી.ટી.આઇ)

રવિવારે જમ્મુમાં યોજાયેલી જાહેર રૅલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જમ્મુના લોકોને હાંસિયે ધકેલવાનો સમય પૂરો થયો છે. હવે જમ્મુ અને કાશ્મીર બન્ને વિસ્તારોનો સાથે-સાથે વિકાસ થશે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરી તેના પછી ગૃહ પ્રધાન પહેલીવાર રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે હવે કોઈ જમ્મુ-કાશ્મીરના વિકાસમાં અડચણ ઊભી નહીં કરી શકે. અત્યાર સુધી રાજ્યના વિકાસ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જેટલું રોકાણ આવી ગયું છે અને ૨૦૨૨ના અંત સુધી ૫૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું સરકારનું લક્ષ્ય છે.

ભગવતીનગરમાં રૅલીને સંબોધન કરતી વખતે અમિત શાહે કૉન્ગ્રેસ, નૅશનલ કૉન્ફરન્સના ફારુક અબદુલ્લા અને મેહબૂબા મુફતીની પીપલ ડેમોક્રૅટિક પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે ‘છેલ્લા સાત દાયકામાં જમ્મુ-કાશ્મીરનો વિકાસ ન થયો એ બદલ ત્રણ પરિવાર જવાબદાર છે. મોદી સરકાર દ્વારા વિકાસના પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાંક તત્ત્વો એમાં બાધા નાખે છે.’

આતંકવાદીઓ દ્વારા ૧૧ નાગરિકોની આ મહિને કરવામાં આવેલી હત્યાનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે ‘કેટલાક લોકો સલામતીને લઈને સવાલો ઊભા કરે છે, પરંતુ હું આંકડાઓ લઈને આવ્યો છું. ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે કુલ ૨૦૮૧ નાગરિકો માર્યા ગયા હતા. આમ દર વર્ષે ૨૩૯ નાગરિકો માર્યા જતા હતા. તો ૨૦૧૪થી અત્યાર સુધી ૨૩૯ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમ વર્ષે ૩૦ લોકો માર્યા ગયા છે. સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ અમે આતંકવાદનો ખાત્મો બોલાવવા માગીએ છીએ.’

અમિત શાહે કહ્યું હતું કે ‘ત્રણ પરિવાર નક્કી કરતા હતા કે જમ્મુ-કાશ્મીરમાં કોણ રોકાણ કરશે, પરંતુ હાલની વાત કરીએ તો અત્યાર સુધીમાં જમ્મુમાં ૭૦૦૦ કરોડ અને કાશ્મીરમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. 

તેમણે ઉમેર્યું હતું કે યુવાનો રાજ્યના વિકાસમાં જોડાશે તો આતંકવાદીઓ આપોઆપ નિષ્ફળ જશે. સરકારનું લક્ષ્ય છે કે રાજ્યમાં કોઈ નાગરિકની હત્યા ન થાય અને આતંકવાદનો અંત આવે. ગૃહ પ્રધાનની મુલાકાતને પગલે રૅલીના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. 

national news jammu and kashmir amit shah