19 June, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયા વિમાન
ઍર ઇન્ડિયા વિમાન-દુર્ઘટનાએ ઉડ્ડયન વીમા ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે. એનું મુખ્ય કારણ વીમાનો દાવો છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો છે. આ દાવાની અંદાજે કિંમત ૪૭૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૪૦૮૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ઍર ઇન્ડિયા હવે ઉડ્ડયન વીમા દાવો કરવાની તૈયારી કરી રહી છે.
આ સંદર્ભે જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (GIC)ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર રામસ્વામી નારાયણને જણાવ્યું હતું કે ‘આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઇતિહાસમાં સૌથી મોટો દાવો હોઈ શકે છે. વિમાનના વીમા દાવાની ટૂંક સમયમાં પતાવટ કરવામાં આવશે, પરંતુ જાનમાલના નુકસાનના વળતરના દાવામાં સમય લાગશે.’
જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા એ કંપનીઓમાંની એક છે જેણે ઍર ઇન્ડિયાને કવરેજ પૂરું પાડ્યું છે.
દાવાનું વિભાજન
વિમાનની કિંમત : ઍર ઇન્ડિયા જે દાવો કરવા જઈ રહી છે એમાંથી ૧૨૫ મિલ્યન ડૉલર (આશરે ૧૦૭૫ કરોડ રૂપિયા) વિમાનના અવશેષો અને એન્જિન માટે છે.
જાનમાલનું નુકસાન : આ ઉપરાંત બાકીના ૩૫૦ મિલ્યન (આશરે ૩૦૧૪ કરોડ રૂપિયા) વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરો અને અકસ્માતના સ્થળે જીવ ગુમાવનારા લોકોના વળતર પેટે છે.
ભારતીય વીમા-કંપનીઓ પર બહુ અસર નહીં પડે
નિષ્ણાતો જણાવે છે કે આ દાવાની ભારતીય વીમા-કંપનીઓ પર બહુ અસર નહીં પડે, કારણ કે GIC જેવી કંપનીઓએ ૯૫ ટકાથી વધુ જોખમ વૈશ્વિક રીઇન્શ્યૉરર્સને વેચી દીધું હતું. તેમનું ઉડ્ડયન વીમા પ્રીમિયમ કુલ પ્રીમિયમના માત્ર ૧ ટકો છે.