ત્રીજી લહેરની આક્રમકતા નિયમોના પાલન અને વ્યાપક રસીકરણથી ઘટી શકે : નિષ્ણાતો

10 May, 2021 12:35 PM IST  |  New Delhi | Agency

કોરોના મહામારીને લગતા નિષ્ણાતો કોરોના-ઇન્ફેક્શનની આક્રમક સેકન્ડ વેવ પછી થર્ડ વેવની આગાહી સાથે કહે છે કે જો નાગરિકો ‘કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયર’ કે ‘કોરોના પ્રોટોકોલ’ નામે ઓળખાતા નિયમોનું ચુસ્તપણે પાલન કરશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીને લગતા નિષ્ણાતો કોરોના-ઇન્ફેક્શનની આક્રમક સેકન્ડ વેવ પછી થર્ડ વેવની આગાહી સાથે કહે છે કે જો નાગરિકો ‘કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયર’ કે ‘કોરોના પ્રોટોકોલ’ નામે ઓળખાતા નિયમોનું ચુસ્તપણે પાલન કરશે અને દેશની મોટા ભાગની પ્રજાએ જો વૅક્સિન લઈ લીધી હશે તો નવી લહેરની અસર ખૂબ ભારે નહીં રહે. આરોગ્ય નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે રોગચાળાના પ્રથમ અનુભવ પછી ચોકસાઈ કે ચીવટના અભાવે સેકન્ડ વેવ વધારે આક્રમક સાબિત થઈ છે એથી હવે શિસ્ત જાળવીને તકેદારી રાખીશું તો થર્ડ વેવનો પ્રભાવ આકરો નહીં નીવડે. વાઇરસના નવા વેરિઅન્ટ્સનો મુદ્દો હોવા છતાં નાગરિકોની વ્યક્તિગત સાવચેતી મહત્ત્વની હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઍડ્વાઇઝર કે. વિજયરાઘવને તાજેતરમાં જણાવ્યું હતું કે કોરોના રોગચાળાની થર્ડ વેવ તો આવશે જ. વારંવાર આ રોગચાળાના હુમલાના પ્રતિકાર માટે આપણે સજ્જ રહેવું પડશે, પરંતુ લક્ષણો અને બીમારી છૂપાં હોય એવા ‘એસિમ્પ્ટોમૅટિક ટ્રાન્સમિશન’થી બચી શકાય એમ છે. પ્રિકોશન્સ, સર્વેલન્સ, કન્ટેઇનમેન્ટ અને ટ્રીટમેન્ટ સંબંધી ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવે તો થર્ડ વેવ સર્વત્ર ન ફેલાય અથવા સાવ ઊભી ન થાય એવું બની શકે.

નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેનોમિક્સ ઍન્ડ ઇન્ટિગ્રલ બાયોલૉજીના ડિરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે આ વર્ષના આરંભમાં નવા કેસની સંખ્યા સાવ ઘટી ગઈ હતી. એ વખતે લોકો કોરોના વાઇરસ સાવ ખતમ થઈ ગયો હોય એવું વર્તન કરતા હતા એથી લોકોની વાઇરસ પ્રતિકારકતા શક્તિ ઘટવા માંડી હતી. મોટા મેળાવડા યોજાવા માંડ્યા હતા. ઘણા વિસ્તારોમાં લોકોએ માસ્ક પહેરવાનું બંધ કર્યું હતું એથી વાઇરસે ફરી હુમલો કર્યો હતો.

national news coronavirus covid19 new delhi