કૉન્ગ્રેસની કારમી હાર બાદ રાજીનામાના દોરની શરૂઆત, આજે cwcની બેઠક

25 May, 2019 08:15 AM IST  | 

કૉન્ગ્રેસની કારમી હાર બાદ રાજીનામાના દોરની શરૂઆત, આજે cwcની બેઠક

ફાઈલ ફોટો

ચૂંટણી પરિણામો આવ્યાં બાદ હવે કૉન્ગ્રેસમાં રાજીનામા આપવાની શરૂઆત થઈ ચૂકી છે. કર્ણાટક કૉન્ગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ એચ. કે. પાટીલે કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી કહ્યું છે કે, આપણા સૌ માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે. મને લાગી રહ્યું છે કે આ હારની જવાબદારી લેવી એ તમારું નૈતિક કર્તવ્ય છે, એથી હું મારા પદ પરથી રાજીનામું આપું છું. તો બીજી તરફ કર્ણાટક કૉન્ગ્રેસના નેતાઓની બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે.

કર્ણાટકના ઉપ-મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા જી. પરમેશ્વરે પોતાના નિવાસસ્થાને પાર્ટી નેતાઓની એક બેઠક બોલાવી છે. એમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, કર્ણાટક પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ દિનેશ ગુંડુરાવ, એમ. બી. પાટીલ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા છે. જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ કર્ણાટકમાં કૉન્ગ્રેસ જેડીએસની ગઠબંધન સરકાર પડી જશે. આ વિશે પૂછવા પર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, હાલ કૉન્ગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.

આ ચૂંટણી પરિણામોમાં યુપી કૉન્ગ્રેસમાં પણ હલચલ વધી ચૂકી છે. અમેઠી જિલ્લા કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે. યોગેન્દ્રએ આ હારની જવાબદારી ખુદ સ્વીકારી છે. ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસની મોટી હાર બાદ યુપી કૉન્ગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામાની રજૂઆત હાઈ કમાન્ડને કરી છે.

આ પણ વાંચો:બીજેપીના ભવ્ય વિજય પછીનો પ્રશ્ન હવે સરકાર કેવી રચાશે?

લોકસભામાં કારમી હાર બાદ કૉન્ગ્રેસ શા માટે હારી એના પર મંથન કરવા માટે શનિવારે સીડબ્લ્યુસી બેઠક બોલાવાઈ છે. રાજકીય સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી અધ્યક્ષપદેથી રાજીનામું આપી શકે છે. કૉન્ગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે આ બેઠકમાં મુખ્ય રીતે હારનાં કારણો પર ચર્ચા કરવામાં આવશે. એ કારણો પર પણ ચર્ચા થશે કે પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી શકાશે. આ બેઠકમાં રાહુલ ગાંધી સિવાય સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા અને સમિતિના અનેક અધ્યક્ષો પણ ભાગ લેવાના છે.

rahul gandhi congress national news