સુરક્ષાની ખાતરી સાથે ડોક્ટરોની હડતાળનો આવ્યો અંત

17 June, 2019 06:35 PM IST  |  કોલકાતા

સુરક્ષાની ખાતરી સાથે ડોક્ટરોની હડતાળનો આવ્યો અંત

સુરક્ષાની ખાતરી સાથે ડોક્ટરોની હડતાળનો આવ્યો અંત

કોલકાતાથી શરૂ થયેલી ડોક્ટરોની હડતાળ આજે દેશભરમાં દેખાઈ. જો કે હવે કોલકાતામાં જ ડોક્ટરોએ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત બાદ હડતાળ પાછી ખેંચી લીધી છે. મમતા બેનર્જી સાથેની વાતચીતમાં જુનિયર ડોક્ટરોએ પોતાને કામ કરતા ડર લાગતો હોવાની રજૂઆત કરી હતી. ડોક્ટરોની રજૂઆત સામે સીએમ મમતા બેનર્જીએ સુરક્ષાની ખાતરી આપી. જે બાદ ડોક્ટર્સે પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.

સીએમ મમતા બેનર્જીએ સુરક્ષાની ખાતરી આપ્યા બાદ બંગાળના ડોક્ટર્સે હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા મીટિંગમાં મમતા બેનર્જીએ ડોક્ટર્સને કહ્યું હતું કે દરેક હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 10 જૂને કોલકાતાની NRS હોસ્પિટલમાં ડોક્ટર્સ પર હુમલાની ઘટના બાદ મામલો બિચક્યો હતો. પહેલા પશ્ચિમ બંગાળના અને બાદમાં આખા દેશના ડોક્ટર્સ આજે હડતાળ પર ઉતર્યા હતા.

આ ઉપરાંત ડોક્ટર્સના પ્રતિનિધિ મંડળે હોસ્પિટલમાં મારપીટ કરનાર આરોપીઓને કડક સજા આપવા પણ માગ કરી છે. તો મમતા બેનર્જીએ આ મામલે 5 લોકોની ધરપકડ થઈ હોવાની વાત કરી. મમતા બેનર્જીએ કહ્યું, કોઈ પણ ડોકટર વિરૂદ્ધ બંગાળ સરકારે કેસ દાખલ નથી કર્યો. હવે દરેક સરકારી હોસ્પિટલમાં ફરિયાદ નિવારણ સેલ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પહેલા પશ્ચિમ બંગાળના ડોક્ટર્સે મમતા બેનર્જી સાથે મુલાકત કરવાની જ ના પાડી દીધી હતી. ડોકટર્સનું કહેવું હતુ કે બંધ રૂમમાં તેઓ કોઈ જ વાતચીત નહીં કરે. જે બાદ મમતાએ દરેક મેડિકલ કોલેજમાંથી 2 ડોકટર્સને મુલાકાત માટે બોલાવ્યાં અને કહ્યું કે આ વાતચીત મીડિયા સામે થશે. મુલાકાત બાદ બંગાળ ડોકટર્સ ફોરમના અધ્યક્ષ અર્જુન સેનગુપ્તાએ કહ્યું કે અમે હડતાળ પૂર્ણ થવા અને રાજ્યમાં સ્વાસ્થ્ય સેવા ઝડપથી ફરી શરૂ થાય તેવી આશા રાખીએ છીએ.

આ જુનિયર ડોક્ટર્સની રજૂઆતો સાંભળ્યા બાદ કહ્યું હતું, "રાતના સમયે ડોક્ટરોની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવશે. એક પોલીસ અધિકારીની તમામ હોસ્પિટલ માટે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાશે. સાથે જ હોસ્પિટલમાં પોલીસની જવાબદારી પણ સુનિશ્ચિત કરાશે."

gujarat news kolkata mamata banerjee