તેઓ કહે છે, બોટી-બોટી અને અમે કહીએ છીએ, બેટી-બેટી : વડાપ્રધાન

06 April, 2019 08:20 AM IST  |  ઉત્તર પ્રદેશ

તેઓ કહે છે, બોટી-બોટી અને અમે કહીએ છીએ, બેટી-બેટી : વડાપ્રધાન

પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. ઉત્તર પ્રદેશના અમરોહા-સહારનપુર અને દહેરાદૂનમાં નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કૉંગ્રેસના નરમ વલણના કારણે જ આજે આતંકીઓનો જુસ્સો વધ્યો છે. મોદી આતંકને વોટ બેંકમાં તોલતો નથી, આતંકના તમામ મદદગારો આજે જેલોમાં બંધ પડ્યા છે.

તેમણે અગસ્ટાવેસ્ટલેન્ડ કેસના આરોપી ક્રિસ્ટિયન મિશેલ સામે નોંધાવવામાં આવેલી ઈડીની ચાર્જશીટનો મુદ્દો ઉછાળતા કહ્યું હતું કે, આમાં એપી અને એફએએમનો ઉલ્લેખ કરાયો છે એ કોણ છે.

એપી એટલે અહેમદ પટેલ અને એફએએમ એટલે સોનિયા ગાંધી ફેમિલી હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં તો બોટી-બોટી વાળા લોકો મેદાનમાં છે, જ્યારે અમે ’બેટી-બેટી’ની વાત કરીએ છીએ. જો આ લોકો સત્તામાં આવ્યા તો મુસ્લિમ દીકરીઓના અધિકારમાં રજૂ કરાયેલા ટ્રિપલ તલાક બિલને બંધારણીય મંજૂરી નહીં અપાવે. BJPને આપવામાં આવેલ તમારો એક-એક વોટ મહિલાઓને સુરક્ષા આપશે, સેનાને મજબૂત કરશે અને યુવાનોને રોજગાર આપશે. મોદીએ કહ્યું કે, કૉંગ્રેસમાંં ભ્રષ્ટાચાર એક્સિલેટર અને વિકાસ વેન્ટિલેટર પર રહે છે. કૉંગ્રેસ દરરોજ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચાર અને કૉંગ્રેસનો અતૂટ સંબંધ છે. આ એવી જુગલબંધી છે, જે છૂટી પડી શકે એમ નથી. ભ્રષ્ટાચારને કૉંગ્રેસ જોઈએ છે અને કૉંગ્રેસને ભ્રષ્ટાચાર. કૉંગ્રેસમાં એક પ્રકારની સ્પર્ધા મચેલી હોય છે કે કોણ વધુ ભ્રષ્ટાચાર કરે.

વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, ૫ વર્ષોમાં તમે જે રીતે આ ચોકીદારનો સાથ આપ્યો તેના માટે હું ખુબ જ વિનમ્રતાથી શીશ ઝૂકાવીને તમને નમન કરું છું. છેલ્લા કેટલાક દિવસોથી મેં દેશના ચારે ખૂણા અને દરેક દિશાની મુલાકાત લીધી. સંપૂર્ણ બહુમતીવાળી સરકાર માટે તમારા વિકાસ માટે કામ કરનારી સરકાર માટે દેશભરમાં જે લહેર ચાલી રહી છે તે આજે અમરોહામાં પણ જોવા મળી રહી છે.

તેમણે કૉંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ લાવ્યો હતો. તેમણે કહ્યું કે કૉંગ્રેસે તેમનો ફોટો સંસદમાં ના લાવવા દીધો. ફક્ત એક પરિવારની ઓળખ જાળવી રાખવા માટે, પ્રતિષ્ઠા માટે, એક પરિવારના સ્વાર્થની સિદ્ધિ માટે કૉંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું. બાબાસાહેબને કૉંગ્રેસે ચૂંટણીમાં ઉપર રહીને હરાવ્યાં હતાં. દેશ પ્રત્યે બાબાસાહેબના યોગદાનને ભૂલવાનું ષડયંત્ર રચ્યું હતું.

અગસ્ટાવેસ્ટલેન્ડ કેસની ચાર્જશીટમાં સોનિયા-અહેમદ પટેલના નામ : આરોપનામાની વિગતો લીક કરાઇ છે : મિશેલનો આક્ષેપ

અગસ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં અહેમદ પટેલ અને કોઈ સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટ આ ડીલના મુખ્ય આરોપી ક્રિસ્ટિયન મિશેલ સામે દાખલ કરવામાં આવી છે. જોકે મિશેલે એવો દાવો કર્યો હતો કે આરોપનામાની વિગતો લીક કરવામાં આવી છે.

ઇડીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મિશેલએ ’એપી’ અને ’ફેમ’નો ઉલ્લેખ કર્યો જેમાં એપીનો અર્થ થાય અહેમદ પટેલ અને ફેમનો મતલબ ફેમિલી છે. ઇડીને જે ડાયરી મળી છે, તેમાં એપી અને ફેમ કોડવર્ડની રીતે લખવામાં આવ્યાં છે. ૫૨ પેજની ચાર્જશીટ અને તેમની સાથે ૩ હજાર પેજની પૂરક ચાર્જશીટમાં ત્રણ નવા નામ પણ સામે આવ્યાં છે. જેમાં મિશેલનો બિઝનેસ પાર્ટનર ડિવેડ સેમ અને અન્ય બે કંપનીઓ છે.

ચાર્જશીટમાં આરોપ લાવ્યો છે કે, મિશેલે તત્કાલિન વડાધાન મનમોહન સિંહ પર દબાણ કરવા માટે કૉંગ્રેસીઓનો ઉપયોગ કર્યો હતો.

આરોપપત્રમાં કહેવામાં આવ્યું છે કે, બજેટ પત્ર અનુસાર દેશભરમાં વીવીઆઈપીની સવારી માટે હેલિકોપ્ટરની ખરીદી માટે ડીલને અગસ્ટાવેસ્ટલેન્ડના પક્ષમાં કરવા માટે વાયુ સેનાના અધિકારીઓ, અન્ય અધિકારીઓ અને રાજનેતાઓને ત્રણ કરોડ યુરોની ચૂકવણી કરવામાં આવી હતી. ઈડીએ કહ્યું કે, લાંચ મેળવનારમાં ઘણી બધી કક્ષાના લોકો સામેલ છે, જેમાં વાયુ સેનાના અધિકારી, સંરક્ષણ મંત્રાલયના ઓફિસરો સહિત અધિકારીઓ અને તત્કાલિન સત્તાધારી પાર્ટીના પ્રમુખ નેતા હતાં. મિશેલના અનુસાર એપીનો મતલબ અહેમદ પટેલ અને ફેમનો મતલબ પરિવાર છે.

હાસ્યાસ્પદ આક્ષેપો: અહમદ પટેલ

આ વખતની ચૂંટણીમાં ‘પાયાવિહોણા અને હાસ્યાસ્પદ’ આક્ષેપો અને ‘જુમલાઓ’ની ભરમાર છે એમ કહી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે વિવાદાસ્પદ અગસ્ટાવેસ્ટલૅન્ડ ચૉપર કેસમાં ઈડી દ્વારા ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટ સંદર્ભે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે ચોરને બધા જ ચોર દેખાય છે.

આ પણ વાંચો : PM મોદી પર રાહુલ ગાંધીનો હુમલો : “ચોકીદારનો જેલમાં ધકેલીશું”

ઈડીએ ગુરુવારે કોર્ટમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે આ કેસમાં કહેવાતા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે બજેટ શીટમાં કરાયેલા હસ્તાક્ષર ‘AP’ને ઓળખી કાઢી એ અહમદ પટેલના હોવાનું જણાવ્યું છે. આ બજેટ શીટમાં આ સોદાના સંદર્ભે રાજકારણીઓ સહિત વિવિધ લોકોને કરવામાં આવેલા પેમેન્ટની વિગતો છે.

narendra modi uttar pradesh national news congress bharatiya janata party