મુખ્ય પ્રધાન તો બીજેપીનો જ બનશે

15 October, 2019 03:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

મુખ્ય પ્રધાન તો બીજેપીનો જ બનશે

મુંબઈ : (જી.એન.એસ.) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યનો મુખ્ય પ્રધાન તો બીજેપીનો જ બનશે. શિવસેનાના આદિત્ય ઠાકરેની ઇચ્છા હોય તો તે નાયબ મુખ્ય પ્રધાન બની શકે છે.’

એક શિખર સંમેલનમાં સામેલ થતાં દેવેન્દ્ર ફડણવીસે શબ્દો ચોર્યા વિના આ વાત સ્પષ્ટ કરી દીધી હતી. તાજેતરમાં શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એક દિવસ હું રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શિવસૈનિકને બેસાડીશ એવું વચન મેં મારા પિતાને આપ્યું હતું.
એક સવાલના જવાબમાં ફડણવીસ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે નિર્ણય શિવસેનાએ કરવાનો છે કે આદિત્યને નાયબ મુખ્ય પ્રધાન બનાવવો છે કે નહીં.
બીજેપીના મોટા-મોટા નેતાઓની ટિકિટ કપાઈ ગઈ છે એ વિશે બોલતાં તેમણે કહ્યું કે ‘એ નિર્ણય મારો નથી, પક્ષના મોવડીમંડળનો છે. જેમને ટિકિટ નથી મળી એ નેતાઓ પણ મહેનતુ અને પક્ષના હિતમાં કામ કરનારાઓ છે એ હકીકત છે.’
ફડણવીસે દાવો કર્યો હતો કે ‘મહારાષ્ટ્રમાં બીજેપીએ છેલ્લાં પાંચ વર્ષમાં સરસ કામ કર્યું છે એટલે મને કોઈ ડર નથી. બીજેપી જ પાછી સત્તા પર આવશે એની મને ખાતરી છે. રાજ્યનો હવે પછીનો મુખ્ય પ્રધાન કોણ હશે એનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. મુખ્ય પ્રધાન તો બીજેપીનો જ થશે.’

devendra fadnavis aaditya thackeray shiv sena bharatiya janata party maharashtra