શિવસેના સાથે થશે સીધી ટક્કર, BJPના કોઈ નેતા નહીં જાય માતોશ્રી: સૂત્ર

14 February, 2019 04:28 PM IST  | 

શિવસેના સાથે થશે સીધી ટક્કર, BJPના કોઈ નેતા નહીં જાય માતોશ્રી: સૂત્ર

ફાઇલ ફોટો

મહારાષ્ટ્રમાં બીજેપીએ હવે શિવસેનાને પોતાના તેવર બતાવવા શરૂ કરી દીધા છે. બીજેપી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શિવસેના સાથે વાત કરવા માટે કેન્દ્રીય સ્તરનો કોઇપણ નેતા હવે મુંબઈ નહીં આવે. આગામી ચૂંટણી માટે ગઠબંધન સાથે જોડાયેલી જેટલી પણ વાતો છે તે સ્થાનિક નેતા એટલેકે પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ કરશે. શિવસેના બીજેપી સાથે સત્તામાં હોઈને પણ સતત પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહી છે. આ વાત હવે બીજેપીને ખટકવા લાગી છે.

છેલ્લા કેટલાક દિવસોથી બંને પાર્ટીઓની વચ્ચે ખુલ્લી નિવેદનબાજી તો નથી પરંતુ પડદાની પાછળ ગઠબંધનનું રાજકારણ થઈ રહ્યું છે. તે છતાંપણ શિવસેનાનો બીજેપીને પરેશાન કરવાનો સિલસિલો અટક્યો નથી. કેટલીયવાર શિવસેનાના મુખપત્ર સામનમાં પીએમ મોદી, સીએમ ફડણવીસ, યુપીના મુખ્યમંત્રી યોગી અને કેન્દ્ર સરકારને નિશાન બનાવવામાં આવે છે, જેનાથી બીજેપીના લોકોમાં નારાજગી છે.

ઉલ્લેખનીય છે કે શિવસેના-બીજેપી 1995માં પહેલીવાર હિંદુત્વના મુદ્દે એકસાથે આવ્યા અને સત્તા સુધી પહોંચ્યા. તે સમયે બીજેપીના દિવંગત નેતા પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેની જોડીએ શિવસેનાની સાથે મળી ને બીજેપીને સત્તા સુધી પહોંચાડી હતી.

તે સમયે ચૂંટણી આવતાની સાથે જ બીજેપીના નેતા માતોશ્રી પર શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને મળતા હતા અને પછી ગઠબંધનનું એલાન થતું હતું. ગયા વર્ષ સુધી આમ જ થયું હતું. પરંતુ, જ્યારથી ગત ચૂંટણીમાં શિવસેના બીજેપીથી અલગ થઈને લડી છે. ત્યારથી પાર્ટીમાં અસ્વસ્થતા છે. ઉદ્ધવ ઠાકરે પોતાની મહત્તા સાબિત કરવા માટે આપબળે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે. તેમણે બીજેપી અને મોદીને ટાર્ગેટ કરીને રામમંદિરના મુદ્દાને લઈને બીજેપીને સાણસામાં લેવાની કોશિશ કરી. તેઓ ઘણીવાર બીજેપી વિરુદ્ધ નિવેદનો આપે છે, જેનાથી પાર્ટી નારાજ છે.

શિવસેના સત્તામાં હોવા છતાંપણ વિરોધી પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા આંદોલનના સ્ટેજ પર જાય છે અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આ વાત બીજેપીના નેતાઓને પસંદ નથી. તેના કારણે હવે શિવસેના વિરુદ્ધ અવાજ ઉઠવો શરૂ થઈ ગયો છે. શિવસેના સાથે હવે માતોશ્રીમાં જઇને વાત નહીં થાય એવું બીજેપીના સૂત્રો જણાવે છે.

અમિત શાહ છેલ્લાં બે વર્ષોમાં ત્રણ વાર માતોશ્રીમાં ગયા છે. વારંવાર ફોન પર વાત કરવામાં આવે છે. પરંતુ શિવસેના દ્વારા બીજેપી પર નિશાન સાધવાનું બંધ નથી થયું. બીજેપીના આંતરિક સૂત્રો જણાવે છે કે હવે કેન્દ્રીય સ્તરનો કોઇપણ નેતા શિવસેના સાથે વાત નહીં કરે, એવો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઠબંધનની જે પણ વાતો કરવી છે તે બીજેપી પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વનમંત્રી સુધીર મુનગંટીવાર જ કરશે.

આ પણ વાંચો: વલસાડઃકોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલને કર્યું વ્હાલ

મહારાષ્ટ્રની રાજકીય ગલીઓમાં આ એકદમ ગરમ મુદ્દો છે, કારણકે પોતાના ઘર માતોશ્રીમાંથી ક્યારેક રિમોટ કંટ્રોલ સરકાર ચલાવતા શિવસેના પ્રમુખ બાળ ઠાકરે હવે રહ્યા નથી. તેમના દીકરા ઉદ્ધવ ઠાકરે હાલ બીજેપી સાથે ખુલ્લી જંગ લડી રહ્યા છે. બીજેપી જાણે છે કે બાળ ઠાકરેને તેઓ ટાળી શકે તેમ નહોતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેને નિયંત્રિત કરવા માટે રાજનીતિનો ઉપયોગ હવે બીજેપી નેતા કરવાના છે, જે હેઠળ માતોશ્રી મીટિંગ સ્કિપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

mumbai maharashtra uddhav thackeray amit shah narendra modi devendra fadnavis