કલમ-૩૭૦ વિશે રાહુલ ગાંધીના નિવેદનની પ્રશંસા પાકિસ્તાન સંસદમાં થાય છે

02 September, 2019 07:56 AM IST  | 

કલમ-૩૭૦ વિશે રાહુલ ગાંધીના નિવેદનની પ્રશંસા પાકિસ્તાન સંસદમાં થાય છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. સાયલી એસ.એસ.આર કૉલેજ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નમો મેડિકલ કૉલેજમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ત્યાર બાદ અક્ષયપાત્ર મધ્યાહન ભોજનસેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં સાયલી ખાતે આવેલી કૉલેજમાં લોકો અમિત શાહની સભામાં હાજર રહેવા ઊમટી પડ્યા હતા. 

શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર રચાયા બાદ સંઘ પ્રદેશનાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે. સંઘ પ્રદેશ જે વિકાસ ઝંખી રહ્યો હતો એ મોદી સરકારે સ્થાનિક પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં પૂરો પાડ્યો છે. શાહે કહ્યું કે ગયાં ૭૦ વર્ષ સુધી કલમ-૩૭૦ અને ૩૫-એ કોઈ સરકારે આ કલમને રદ કરવાનો નિર્ણય નહોતો લીધો. આ નિર્ણયના કારણે આતંકવાદની કબરમાં અંતિમ ખીલો ઠોકી દેવાયો છે. સમગ્ર દેશની જનતા વડા પ્રધાનને આશીર્વાદ આપી રહી છે, પરંતુ અમુક લોકો આનો પણ વિરોધ કરી રહ્યા છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી જે નિવેદન આપે છે એની પ્રસંશા પાકિસ્તાનની સંસદમાં થાય છે. રાહુલ ગાંધીનાં નિવેદનોના આધારે પાકિસ્તાન યુ.એન.માં પિટિશન ફાઇલ કરવા ચાલ્યું.

ગૃહપ્રધાન શાહે કહ્યું, ‘રાહુલ ગાંધી આજકાલથી વિરોધ નથી કરી રહ્યા, જ્યારે જે.એન.યુ.માં ભારત તેરે ટુકડે હોંગે નારા લાગ્યા ત્યારે પણ સમર્થનમાં હતા. ભારતે ઍર સ્ટ્રાઇક કરી ત્યારે પણ રાહુલ ગાંધીએ પુરાવા માગ્યા, આજે કાશ્મીરમાં બંધારણની કલમ-૩૭૦ દૂર થઈ એના વિશે પણ સવાલો પૂછી રહ્યા છે. હું આજે સમગ્ર વિશ્વને કહેવા માગું છું કે કાશ્મીરમાં એક પણ ગોળી નથી ચાલી, એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. રાહુલ ગાંધીને હું પૂછવા માગું છું કે કૉન્ગ્રેસ ક્યા પ્રકારની રાજનીતિ કરવા માગે છે?”

આ તબક્કે શાહે બંગલા દેશની લડાઈને યાદ કરાવી. તેમણે કહ્યું કે અમે પણ વિરોધ પક્ષમાં હતા, જ્યારે બંગલા દેશનું વિભાજન થયું ત્યારે ભારતીય જનસંઘે ઇન્દિરાજીનું સંપૂર્ણપણે સમર્થન કર્યું હતું. જ્યારે દેશહિતના મુદ્દા આવે ત્યારે પક્ષના રાજકારણથી ઉપર ઊઠી અને આગળ આવવાની જરૂર છે.

આ પણ વાંચો: સરકારની ખોટી નીતિઓને કારણે મંદીમાં સપડાઈ છે અર્થવ્યવસ્થા : મનમોહન સિંહ

શાહે વધુમાં કહ્યું, ‘જો કૉન્ગ્રેસ સરકારે પહેલાંથી સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરી હોત તો દેશના યુવાનો અકાળે વૃદ્ધ ન થયા હોત. મોદી સરકારે દેશના ૧૪ કરોડ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારનો લક્ષ્યાંક છે કે જ્યારે દેશ આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો હશે ત્યારે દેશના દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળશે.

amit shah gujarati mid-day