મોદીની સરકાર નૈતિક નાદારીનું પાઠ્યપુસ્તકમાં ભણાવવા જેવું છેઃ રાહુલ

11 February, 2019 08:04 AM IST  | 

મોદીની સરકાર નૈતિક નાદારીનું પાઠ્યપુસ્તકમાં ભણાવવા જેવું છેઃ રાહુલ

રાહુલ ગાંધી

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં રોજગારી પેદા કરવામાં કેન્દ્ર સરકારને નિષ્ફળ ગણાવતાં જણાવ્યું હતું કે મોદી સરકારની અક્ષમતા સાથે ઉદ્ધતાઈ અને આડંબર નૈતિકતાની નાદારીનું પાઠ્યપુસ્તકમાં ભણાવવા જેવું ઉદાહરણ છે. રાહુલ ગાંધીએ મીડિયા રિપોર્ટમાં ઉબર ટૅક્સીના એક ડ્રાઇવરનું કથન ટાંક્યું હતું. એક મીડિયા પ્રતિનિધિએ ઓલા/ઉબર દ્વારા રોજગારીના ૨૦ લાખ અવસરો પેદા થયા હોવાના નીતિ (NITI = નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા) આયોગના દાવા બાબતે પૂછ્યું ત્યારે એ ટૅક્સી-ડ્રાઇવરે જણાવ્યું હતું કે સરકારે નોકરીઓ આપી નથી, મને લાખો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી રોજગારી મળી છે.

રાહુલ ગાંધીએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે નિષ્ફળતાઓ, ક્ષમતાનો અભાવ, ઉદ્ધતાઈ અને આડંબરના સમીકરણને લીધે આ સરકાર નૈતિકતાની નાદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. નૅશનલ સૅમ્પલ સર્વે ઑફિસના અહેવાલની વિગતો એક અંગ્રેજી દૈનિક વર્તમાનપત્રે પ્રગટ કર્યા પછી રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારોનું પ્રમાણ વધી ગયું છે. એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષોમાં સૌથી વધારે છે. નૅશનલ સૅમ્પલ સર્વે દ્વારા લેબર ર્ફોસના સર્વેમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી વધારે ૬.૧ ટકા પર ૨૦૧૭-’૧૮માં પહોંચ્યો હતો.

આજે લખનઉમાં રાહુલ, પ્રિયંકા અને જ્યોતિરાદિત્યનું ભવ્ય બહુમાન

પ્રિયંકા ગાંધીના સત્તાવાર ધોરણે રાજકારણમાં પ્રવેશને વધાવવા માટે કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમે આજે લખનઉમાં રાહુલ-પ્રિયંકાની જોડીના અને જ્યોતિરાદિત્ય સિંધિયાના જોરદાર સ્વાગતની તૈયારી કરી છે. કૉંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશનો અખત્યાર સંભાળતા મહાસચિવના હોદ્દા પર પ્રિયંકા ગાંધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો અખત્યાર સંભાળતા મહાસચિવના હોદ્દા પર જ્યોતિરાદિત્ય સિંધિયાની તાજેતરમાં નિમણૂક કરવામાં આવ્યા પછી એ રાજ્યના કૉંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ રાજ બબ્બરે રોડ-શો સહિતના કાર્યક્રમોની આપેલી માહિતી પ્રમાણે આજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા લખનઉના વિમાનમથકે પહોંચ્યા પછી શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરીને જનતાનું અભિવાદન ઝીલતાં-ઝીલતાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મુખ્યાલય નેહરુ ભવન ખાતે પહોંચશે. એ પ્રવાસ દરમ્યાન લગભગ ૩૭ ઠેકાણે એ ત્રિપુટીનું સ્વાગત કરવામાં આવશે. પ્રિયંકા ગાંધી ૧૪ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં રહેશે અને ૪૨ મતવિસ્તારોના નેતાઓ અને હોદ્દેદારોને મળશે.

BJPના સંસદસભ્યે પ્રિયંકા ગાંધીના પહેરવેશની ટીકા કરી

BJPના સંસદસભ્ય હરીશ દ્વિવેદીએ કૉંગ્રેસનાં નવાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના ‘જેવો દેશ એવો વેશ’ના બેવડી નીતિની ટીકા કરી હતી. હરીશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘પ્રિયંકા ગાંધી દિલ્હીમાં હોય ત્યારે જીન્સ અને ટી-શર્ટ જેવા મૉડર્ન ડ્રેસિસ પહેરે છે અને ઉત્તર પ્રદેશમાં જાય ત્યારે પરંપરાગત ઢબે સાડી પહેરીને માથીના સેંથામાં કંકુ પૂરે છે. જે રીતે રાહુલ ગાંધી રાજકારણમાં નિષ્ફળ ગયા છે એ રીતે પ્રિયંકા ગાંધી પણ નિષ્ફળ જશે. પ્રિયંકાના વ્યક્તિત્વનાં બેવડાં ધોરણે લોકોને સમજાઈ ગયાં છે.’

આ પણ વાંચો : TMC MLA હત્યા કેસ: BJPના મુકુલ રૉય સહિત ચાર જણ સામે કેસ

અગાઉ BJPના તથા અન્ય પક્ષોના નેતાઓ પ્રિયંકા ગાંધી માટે ‘ચૉકલેટી ચહેરા’ અને ‘શૂર્પણખા’ જેવાં વિશેષણો વાપરીને ટીકાઓ કરી ચૂક્યા છે.

rahul gandhi congress bharatiya janata party narendra modi