રાફેલસોદામાં મોદીની ગુનાહિત સંડોવણીના પુરાવા ધરાવતી ફાઇલો ચોરાઈ: રાહુલ

07 March, 2019 08:00 AM IST  | 

રાફેલસોદામાં મોદીની ગુનાહિત સંડોવણીના પુરાવા ધરાવતી ફાઇલો ચોરાઈ: રાહુલ

રાહુલ ગાંધી

રાફેલ ફાઇટર જેટના સોદા બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારના કેસ માટે પૂરતા પુરાવા હોવાનું કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાફેલ ફાઇટર જેટના સોદામાં ભ્રષ્ટાચારની લાંબી સાંકળ છે. એ સાંકળના છેડાની શરૂઆત અને અંત બન્ને વડા પ્રધાન સુધી પહોંચે છે. તેમની સામે કાર્યવાહી માટે સંતોષકારક પ્રમાણમાં પુરાવા છે.’

હૅશટૅગ #FIRagainstCorruptModi સાથે લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘સરકારે સુપ્રીમ કોર્ટને રાફેલ ફાઇટર જેટના સોદા સંબંધી મહત્વની ફાઇલો ચોરાયાની આપેલી માહિતી પુરાવાનો નાશ અને સ્વાભાવિક રીતે કૌભાંડનો ઢાંકપિછોડો સાબિત થાય છે. રાફેલ કૌભાંડમાં વડા પ્રધાન સામે કાર્યવાહીના પૂરતા પુરાવા છે. મોદીની સંડોવણીની સાબિતીરૂપ બને એવી ફાઇલો ચોરાઈ છે.’

કેન્દ્ર સરકારે રાફેલસોદાના દસ્તાવેજોની ફાઇલો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ હોવાનું સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા પછી કૉંગ્રેસના પ્રમુખે વડા પ્રધાન પર પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકારે રાફેલસોદા સંબંધી દસ્તાવેજી માહિતી પ્રકાશિત કરવા બદલ ‘ધ હિન્દુ’ અખબાર સામે ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ કાર્યવાહીની ધમકી પણ આપી હતી.

કૉંગ્રેસે ગઈ કાલે રાફેલ ફાઇટર ઍરક્રાફ્ટના સોદા બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને દસૉં કંપનીને લાભ કરાવવા માટે હોદ્દાનો દુરુપયોગ કરીને વિમાનોની વધારે કિંમત નક્કી કરી હતી. એ બાબત માટે ભ્રષ્ટાચારવિરોધી કાયદા હેઠળ કેસ બને છે.’

આ પણ વાંચો : પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

દસ્તાવેજોના સોર્સની માહિતી નહીં અપાય : ધ હિન્દુ

રાફેલસોદા વિશે અહેવાલ પ્રગટ કરનારા દૈનિક અખબાર ‘ધ હિન્દુ’ના પ્રકાશક ‘ધ હિન્દુ પબ્લિશિંગ ગ્રુપના ચૅરમૅન એન. રામે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમે રાફેલસોદા સંબંધી દસ્તાવેજો જાહેર હિતમાં પ્રકાશિત કર્યા હતા અને એ દસ્તાવેજો કયાં ગુપ્ત સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે એની માહિતી કોઈને આપવામાં નહીં આવે. કેટલીક વિગતો છુપાવી કે ઢાંકી રાખવામાં આવી હોવાથી દસ્તાવેજો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.’

rahul gandhi narendra modi national news congress bharatiya janata party