પાકિસ્તાને અભિનંદન પાસે બળજબરીથી વિડિયો સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું?

02 March, 2019 08:10 AM IST  |  પાકિસ્તાન

પાકિસ્તાને અભિનંદન પાસે બળજબરીથી વિડિયો સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું?

અભિનંદન વર્ધમાન

શુક્રવારે વાઘા સરહદે પાઇલટ અભિનંદન વર્ધમાનને ભારતને સોંપવાની વિધિ ઘણી વિલંબમાં પડી હતી, કારણ કે અભિનંદનને સરહદ પાર કરતાં પહેલાં કૅમેરા સામે સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવાની પાકિસ્તાનના અધિકારીઓએ ફરજ પાડી હતી. અભિનંદનને દબાણ હેઠળ વિડિયો રેકૉર્ડ કરવાની ફરજ પાડવામાં આવી હતી કે નહીં એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી.

પાકિસ્તાન સરકાર દ્વારા રાતે ૮.૩૦ વાગ્યે પાઇલટનો વિડિયો મેસેજ લોકલ મીડિયાને રિલીઝ કરવામાં આવ્યો હતો. વિડિયોમાં અભિનંદને તેને કેવી રીતે પકડવામાં આવ્યો એની વિગતો જણાવી હતી. વિડિયો રેકૉર્ડિંગને કારણે અભિનંદનને છોડવાની કાર્યવાહીમાં વિલંબ થયો હતો. અભિનંદનને રાતે ૯.૨૦ વાગ્યે ભારતના અમલદારોને સોંપવામાં આવ્યો હતો.

વિડિયો રેકૉર્ડિંગમાં અભિનંદન વર્ધમાન ભારતનાં પ્રસાર માધ્યમોની ટીકા કરતાં કહે છે કે ‘હું ટાર્ગેટ શોધવા માટે પાકિસ્તાનની હવાઈ સીમામાં પ્લેન લઈને ઘૂસ્યો હતો, પરંતુ મારા પ્લેનને તોડી પાડવામાં આવ્યું. પાકિસ્તાની લશ્કરના જવાનોએ મને હિંસક ટોળાના પંજામાંથી છોડાવ્યો. પાકિસ્તાની આર્મી એકદમ પ્રોફેશનલ છે અને હું તેમનાથી પ્રભાવિત છું.’

ભારતની સરકાર સતત કહેતી રહી છે કે ‘૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના હવાઈ દળના વિમાનના ભારતમાં જમ્મુ-કાશ્મીરની લશ્કરી છાવણીઓ પર ત્રાટકવાનો ઇરાદો ભારતીય હવાઈ દળના વિમાનોએ નિષ્ફળ બનાવ્યો એ દરમ્યાન અભિનંદન વર્ધમાનનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી પાર પાડ્યા પછી બીજે દિવસે બનેલી ઘટનામાં અભિનંદન પૅરેશૂટ દ્વારા વિમાનમાંથી બહાર નીકળી ગયા, પરંતુ તેઓ ભ્ંધ્માં પહોંચતાં પાકિસ્તાનના લશ્કરે તેમને અટકાયતમાં રાખ્યા હતા.’

આ પણ વાંચો : મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી (કાશ્મીર) પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

અભિનંદનને વાઘા સરહદે કેટલા વાગ્યે પહોંચાડવામાં આવ્યા એ બાબતે સત્તાવાર રીતે કંઈ જણાવવામાં આવ્યું નથી, પરંતુ તેઓ સાંજે ચાર વાગ્યા પછી લાહોર પહોંચ્યા હતા. પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે ‘વાઘા ઇમીગ્રેશન ખાતે તેમનાં પેપર્સ તપાસવાની કાર્યવાહીને કારણે તેમને તાત્કાલિક ભારતના સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા નહોતા.’

pakistan india indian air force indian army national news