બહેરીનમાં PM મોદીએ કહ્યું,'આજે મારો અરૂણ જતો રહ્યો'

25 August, 2019 09:30 AM IST  |  બહેરીન

બહેરીનમાં PM મોદીએ કહ્યું,'આજે મારો અરૂણ જતો રહ્યો'

બહેરીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પહેલીવાર બહેરીનની મુલાકાતે પહોંચ્યા અને ત્યાંના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. બહેરીનમાં પોતાના સંબોધનના અંત ભાગમાં વડાપ્રધાન મોદી ભાવુક થયા. ભારે અવાજે તેમણે અરૂણ જેટલીને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું,'ઘણું દર્દ દબાવીને બેઠો છું. આજે મારો મિત્ર અરૂણ જતો રહ્યો.'

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે બધા લોકો કૃષ્ણ જન્મોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે મારી અંદર એક શોક છે. હું મોટું દર્દ દબાવીને બેઠો છું. વિદ્યાર્થી જીવનથી જે મિત્ર સાથે સાર્વજનિક જીવનના એક બાદ એક પગલાં સાથે ભર્યા. રાજકીય સફર જોડે જોડે શરૂ કરી. એકબીજા સાથે રહેવું અને સાથે મળીને લડતા રહેવું. સપના સજાવવા અને સપના પૂરા કરવા જેવી લાંબી સફર જે મિત્ર સાથે પૂરી કરી, તે દોસ્ત અરૂણ જેટલીએ આજે પોતાનો દેહ છોડી દીધો.'

અરૂણ જેટલીના નિદન પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું,'હું કલ્પના નથી કરી શક્તો કે હું આટલો દૂર બેઠો છું અને મારો મિત્ર અરૂણ જતો રહ્યો. આ મહિને કેટલાક દિવસો પહેલા આપણા પૂર્વ વિદેશપ્રધાન બહેન સુષ્મા સ્વરાજ પણ જતા રહ્યા અને આજે મારો મિત્ર અરૂણ જતો રહ્યો. મારા માટે આ ઘણી મુશ્કેલ સ્થિતિ છે. એક તરફ હું કર્તવ્ય ભાવથી બંધાયેલો છું, બીજી તરફ મિત્રતાની ભાવના પણ ઉભરાઈ રહી છે. હું બહેરીનની ધરતી પરથી ભાઈ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમને નમન કરું છું. સાથે જ દુઃખના સમયમાં ઈશ્વર તેમના પરિવારને તાકાત આપે તેવી પ્રાર્થના કરું છું.'

આ પણ જુઓઃ Arun Jaitleyના રૅર અને અનસીન ફોટોઝ

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું ખાડી દેશમાં પહોંચનાર પહેલા ભારતીય વડાપ્રધાન હોવાનું તેમને સૌભાગ્ય મળ્યું છે. મનામાના ખચાખચ ભરાયેલા નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું તેઓ સરકારના વડા અને વડાપ્રધાન તરીકે બહેરીનની મુલાકાતે આવ્યા છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરાનો અને બહેરીનના લોકો સાથે સંવાદ કરવાનો છે.

narendra modi arun jaitley sushma swaraj national news