અમારી સરકારે જમીનથી લઈને અંતરિક્ષ સુધી સર્જિકલ સ્ટ્રાઇક કરી: મોદી

29 March, 2019 10:55 AM IST  |  મેરઠ

અમારી સરકારે જમીનથી લઈને અંતરિક્ષ સુધી સર્જિકલ સ્ટ્રાઇક કરી: મોદી

ગઈ કાલે મેરઠમાં રૅલીને સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી.

જ્યારે મહામિલાવટી લોકોની સરકાર હતી ત્યારે છાશવારે દેશમાં બૉમ્બવિસ્ફોટ થતા હતા, દેશ જણાવે કે તેમને સબૂત (પુરાવા) જોઈએ કે સપૂત જોઈએ, વંશવાદ અને ભ્રષ્ટાચાર માટે યુપીમાં ગઠબંધન થયું, કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ આ ચોકીદારને ડરાવી નહીં શકે.

ચોકીદાર ક્યારેય અન્યાય નથી કરતો, મારા કામનો હિસાબ આપીશ અને બીજાના કામનો હિસાબ માગીશ, ૭૦ વર્ષ સુધી ગરીબોનાં બૅન્ક ખાતાં ના ખોલનારા હવે તેમાં રૂપિયા નાખવાની વાત કરે છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાને ગઈ કાલથી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આજે મેરઠમાં એક જનસભાને સંબોધી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓ પણ મંચ પર હાજર હતા. પીએમ મોદીનું ભાજપના કાર્યકર્તાઓએ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ખીચોખીચ ભરેલા મેદાનના મંચ પરથી કહ્યું કે ‘જેમને ૨૦૧૯નો જનાદેશ જોવો હોય તે આ જનસેલાબ જોઈ લે.’ તેમણે મંચ પરથી કહ્યું કે આ વખતે ભાજપની સરકાર બનવાનું નક્કી જ છે. પીએમ મોદીએ કહ્યું કે ‘જમીન હોય કે આકાશ, કે પછી અંતરિક્ષ... સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે કરીને દેખાડ્યું છે. આ વર્ષે અમને ૨૦૧૪ કરતાં પણ મોટી જીત મળશે.

પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને ‘શરાબ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે સપાનો શ, રાષ્ટ્રીય લોક દળનો આર અને બસપાના બથી બચીને રહો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં કુલ આઠ રૅલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં ૪૮ સીટ પર ચાર તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠ રૅલીને સંબોધશે એમ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું. મોદીની પહેલી રૅલી વર્ધા મતક્ષેત્રમાં હશે, જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાનના એક તબક્કાદીઠ બે રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ પ્રથમ બે તબક્કાની તુલનાએ ત્રીજા અને ચોથા તબક્કામાં મતક્ષેત્ર વધતાં રૅલીની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ચૂંટણીમાં કૉંગ્રેસ કાર્યકર્તા પણ મારી સાથે છે, ફોન કરીને જીતનું આશ્વાસન આપે છે: નીતિન ગડકરી

નાગપુરની લોકસભા સીટથી બીજેપીના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુર પહોંચ્યા હતા. ગડકરીએ અહીં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ કહ્યં કે ચૂંટણીમાં કૉંગ્રેસ કાર્યકર્તા પણ તેમની સાથે છે. ગડકરીએ કહ્યું કે કૉંગ્રેસના અનેક લોકો મને ફોન કરીને જીતનું આશ્વાસન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ મારી સાથે છે.

રાહુલ પર મોદીનો વાર : કેટલાક લોકો એ-સેટને થિયેટરનો સેટ સમજ્યા

મેરઠમાં ‘મિશન શક્તિ’ને લઈ રાહુલ ગાંધીના એક ટ્વિટના બહાને પણ પીએમે તેના પર કટાક્ષ કર્યો. પીએમે કહ્યું કે કોઈ થિયેટરમાં નાટક જોવા જાય તો ત્યાં શું જોવા મળે છે? ત્યાં સેટ શબ્દ બહુ મોટો કૉમન હોય છે. આ શબ્દનો ત્યાં વારંવાર ઉપયોગ થાય છે. કેટલાક બુદ્ધિમાન લોકો એવા છે જ્યારે હું એ-સેટની વાત કરતો હતો તો કન્ફયુઝ થઈ ગયા. સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરી રહ્યો છું. હવે આવા બુદ્ધિમાન લોકો પર રડવું કે હસવું. જેમને થિયેટરના સેટ અને અંતરિક્ષમાં ઍન્ટિ-સૅટેલાઇટ એ-સેટની સમજ નથી.

વડા પ્રધાને કૉંગ્રેસની ન્યાય યોજના પર નિવેદન આપી ગરીબીની મજાક ઉડાવી : કૉંગ્રેસ

પીએમ મોદીની મેરઠમાં જનસભા બાદ કૉંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરનસ સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યુ કે, કૉંગ્રેસની ન્યાય યોજના એવું નિવેદન આપીને પીએમ મોદીએ ગરીબની મજાક ઉડાવી. પીએમ મોદી નક્કી કરે કે તેઓ ગરીબ સાથે છે કે, ન્યાય યોજનાની વિરુદ્ધમાં. મોદી વડા પ્રધાન નહીં, પણ પ્રપંચમંત્રી વધારે છે. ડ્રામાકિંગ વધારે છે.

આ પણ વાંચો : કૉંગ્રેસ ચૂંટાશે તો નવા સાહસમાં કોઈ મંજૂરીની જરૂર નહીં : રાહુલ

ટેલિપ્રોમ્પટરે વડા પ્રધાન મોદીની પોલ ખોલી : અખિલેશ

ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને આરએલડીના ગઠબંધનને ‘શરાબ’ ગણાવવા પર સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટર પર જણાવ્યું કે, ‘આજે ટેલિપ્રોમ્પ્ટરે વડા પ્રધાન મોદીની પોલ ખોલી નાખી છે. નફરતના નશાને પ્રોત્સાહન આપનારા લોકોને સરાબ અને શરાબ વચ્ચેના તફાવતનો ખ્યાલ નથી. સરાબને મૃતૃણા પણ કહે છે અને ભાજપ છેલ્લાં પાંચ વર્ષથી આવાં ધૂંધળા સપનાં જુએ છે. હવે ચૂંટણી આવી છે ત્યારે નવાં મૃગજળ દેખાડી રહ્યા છે.

narendra modi meerut bharatiya janata party Lok Sabha Election 2019 national news