અમે ભાગલા કરી રાજ કરવા માટે રાજકારણમાં નથી : મોદી

14 January, 2019 08:34 AM IST  | 

અમે ભાગલા કરી રાજ કરવા માટે રાજકારણમાં નથી : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સિખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહની 352મી જન્મજયંતી નિમિત્તે સિક્કા બહાર પાડ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા હતા.

BJPની વિરુદ્ધ મહાગઠબંધન કરવાના વિરોધ પક્ષોના પ્રયાસની મજાક ઉડાવી પક્ષના કાર્યકરોને લોકસભાની આગામી ચૂંટણી માટે પ્રોત્સાહિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આ તમામ જોડાણો વંશવાદી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલાં તકવાદી જોડાણો છે, તેઓ પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા માગે છે જ્યારે કે અમે લોકોના સશક્તિકરણમાં વિશ્વાસ કરીએ છીએ.

વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુનાં પાંચ સંસદીય મતદાર ક્ષેત્રોના બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે અન્ય પાર્ટીઓની જેમ આપણે ભાગલા કરી રાજ કરવા કે પછી મત બૅન્ક મજબૂત કરવા રાજકારણમાં નથી આવ્યા, આપણે તમામ સંભવ રીતે દેશની સેવા કરવા રાજકારણમાં આવ્યા છીએ. એક તરફ આપણો વિકાસના એજન્ડા ધરાવતો પક્ષ છે જ્યારે કે સામે પક્ષે વંશવાદી અને તકવાદી જોડાણ ધરાવતા પક્ષો છે. આ ચૂંટણી આપણને આપણા ધ્યેયને સાકાર કરવાની તક આપે છે. આપણે સબ કા સાથ સબ કા વિકાસના આપણા સ્વપ્નને સાકાર કરવાનું છે. BJPને હરાવવા ઉત્તર પ્રદેશમાં SP અને BSPના જોડાણની જાહેરાત બાદ પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં વડા પ્રધાને ઉપરોક્ત વાત કહી હતી.

સિખવિરોધી રમખાણના પીડિતોને ન્યાય મળશે

કરતારપુર કૉરિડોર બાંધવાના પોતાની સરકારના નિર્ણયની પ્રશંસા કરતાં વડા પ્રધાન મોદીએ ૧૯૮૪માં થયેલાં સિખવિરોધી રમખાણોના પીડિતોના પરિવારને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. ગઈ કાલે દસમા સિખગુરુ ગુરુ ગોવિંદ સિંહની ૩૫૨મી જન્મજયંતી નિમિત્તે સિક્કો બહાર પાડતાં તેમણે જણાવ્યું હતું કે ડેરા બાબા નાનકસાહિબની કબરનાં દર્શન કરી શકાય એમ હોવાથી હવે એનાં દર્શન માટે દુરબીનનો ઉપયોગ કરવાની આવશ્યકતા નહીં રહે. સિખ યાત્રાળુઓ હવે વીઝા વિના જ પાકિસ્તાનમાં દરબારસાહિબની યાત્રા કરી શકશે.

1947માં ભારતના ભાગલા વખતે ગુરુ નાનકનું પવિત્ર સ્થળ આપણા દેશમાં રહે એની ખાતરી કરવાની થયેલી ભૂલને સુધારવાનો આ એક પ્રયાસ છે. અમે ભૂલ સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ એનો આ પ્રોજેક્ટ બોલતો પુરાવો છે એમ મોદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમે સુપ્રીમ કોર્ટ જેવાં સંસ્થાનોમાં પ્રજાનો વિશ્વાસ ફરી સ્થાપિત કરીશું : રાહુલ ગાંધી

1984માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના અંગરક્ષક સતવંત સિંહ અને બિયન્ત સિંહ દ્વારા કરવામાં આવેલી હત્યાને પગલે ફાટી નીકળેલાં સિખવિરોધી રમખાણોમાં 2700 સિખ માર્યા ગયા હતા. અમારી સરકાર તમામ ગુનેગારોને સજા મળે અને રમખાણોનો ભોગ બનેલાઓના પરિવારને ન્યાય મળે એની ખાતરી કરશે.

narendra modi manmohan singh national news