EVM વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની વિપક્ષોની તૈયારી

15 April, 2019 07:54 AM IST  | 

EVM વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની વિપક્ષોની તૈયારી

સુપ્રીમ કોર્ટ

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પછી વિરોધ પક્ષોએ EVMનો મુદ્દો ફરી ઉછાળ્યો છે. ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અનેક મોટા વિરોધ પક્ષોએ EVM સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. છ વિરોધ પક્ષોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાંની EVM જગ્યાએ મતપત્રકો વડે મતદાન યોજવાની તરફેણ કરી હતી. TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ તેમ જ કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ચ્સ્પ્ને મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવાની તરફેણ કરી હતી. જોકે BJPએ વિરોધ પક્ષોની એ સભાને પરાજયના સ્વીકાર સમાન ગણાવી હતી.

‘બંધારણ બચાવો’ સૂત્ર હેઠળ યોજાયેલી પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબલે જણાવ્યું હતું કે ‘અનેક મતદાન મથકોમાં મતદારો EVMમાં જે પક્ષનું બટન દબાવે એનાથી જુદા પક્ષને વોટ જાય છે અને VVPATમાં પણ સાત સેકન્ડને બદલે ત્રણ સેકન્ડમાં ચિઠ્ઠી નીકળે છે. તપાસ કર્યા વગર લાખો મતદારોનાં નામો યાદીમાંથી ઑનલાઇન હટાવી દેવામાં આવ્યાં છે. રાજકીય પક્ષોએ ચૂંટણીપંચને લાંબી યાદી સુપરત કરી છે. VVPATની ઓછામાં ઓછી ૫૦ ટકા ચિઠ્ઠીઓને વોટોની સંખ્યા સાથે સરખાવવાની જરૂર છે. આ ગોલમાલની સામે અમે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવા ઉપરાંત દેશભરમાં આંદોલન કરીશું.’

ગઈ કાલે દિલ્હીમાં આયોજિત વિપક્ષોની સંયુક્ત બેઠકમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ભાગ લીધો હતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઈવીએમમાં ચેડાંનો સીધો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે મશીનમાં કોઈ તકલીફ નથી. એમાં ચેડાં કરવામાં આવ્યાં છે. આ મશીનોને એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે વોટ માત્ર ભારતીય જનતા પક્ષ (બીજેપી)ને જાય. કેજરીવાલે સવાલ ઊભા કરતાં પૂછ્યું છે કે આવું કેમ થાય છે? જે મશીનમાં ખરાબી જોવા મળે છે એમાં વોટ બધા બીજેપીને જ ગયા હોય છે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે હું એન્જિનિયર છું. હું પણ દરેક વાતને સમજું છું. કંઈક તો લોચા છે. કેજરીવાલે આવું કહીને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું છે કે બીજેપીવાળા પોતાની જાતને મદર્‍ ગણાવે છે, તો ચોરી પણ કરે છે.

EVM સાથે ફોટો પડાવવા બદલ ટીઆરએસ નેતાની ધરપકડ

તેલંગણા રાષ્ટ્ર સમિતિના નેતા એન. વેંકટેશની શનિવારે સ્ટ્રૉન્ગ રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરવાને મામલે અને ઈવીએમ મશીન સાથે તસવીર ખેંચવાના આરોપસર મલકજગિરિમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સ્ટ્રૉન્ગ રૂમમાં તસવીર ખેંચવાની સખત મનાઈ હોય છે છતાં ટીઆરએસના નેતાએ પોતાની તસવીર ક્લિક કરી હતી, જેને પગલે પોલીસે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી ધરપકડ કરી હતી.

ચંદ્રાબાબુએ જેને વોટિંગ એક્સપર્ટ ગણાવ્યો એ દાયકા જૂનો EVM ચોર છે

શનિવારે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન EVMમાં ગોલમાલની ફરિયાદ સાથે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની ઑફિસમાં ગયા ત્યારે એમણે એક્સપર્ટના અભિપ્રાયને આધારે દાવો કર્યો હોવાનું જણાવ્યું હતું. ચંદ્રાબાબુ નાયડુએ શનિવારે નિષ્ણાતના અભિપ્રાયને ટાંકતાં પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન ૪૫૮૩ EVMમાં ગોટાળા થયા હોવાનો દાવો કર્યો હતો. એ ગોટાળાને કારણે ૧૫૦ મતદાન મથકોમાં ફેરમતદાનની માગણી ચંદ્રાબાબુએ કરી હતી.

પંચના અધિકારીઓએ EVMમાં છેડછાડના દાવાની વધુ વિગતો સાથે એક્સપર્ટને આવવાનું કહ્યું ત્યારે ખબર પડી કે એ કહેવાતો નિષ્ણાત હૈદરાબાદનો રહેવાસી રિસર્ચર હરિપ્રસાદ છે. ૨૦૧૦માં EVMની ચોરીના કેસમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી.  શનિવારે સાંજે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરનારા ચંદ્રાબાબુ નાયડુના પ્રતિનિધિમંડળમાં હરિપ્રસાદ સામેલ હતો. TDPના લીગલ સેલના સભ્યોની સાથે હરિપ્રસાદ નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈનની ઑફિસમાં પહોંચ્યો ત્યારે અધિકારીઓએ તેનો ક્રિમિનલ રેકોર્ડ એમની સામે મૂકી દેતાં એ બધા ત્યાંથી બહાર નીકળી ગયા હતા. ચૂંટણી પંચે TDPના  લીગલ સેલને પત્ર લખીને એમના પ્રતિનિધિ મંડળમાં ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતી વ્યક્તિને કેવી રીતે સ્થાન મળ્યું એવો સવાલ પણ પૂછ્યો હતો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી કઠુઆમાં: મોદી નથી ડરતા, નથી ઝુકતા, PMએ અબ્દુલ્લા અને મુફ્તી પરિવારને ચેતવ્યા

મહાગઠબંધન હાર સ્વીકારી ચૂક્યું છે : BJP

ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ મહાગઠબંધનની બેઠક પર કટાક્ષ કરતાં કહ્યું કે તથાકથિત ગઠબંધનને હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપ નેતા જીવીએલ નરસિંહાએ કહ્યું કે દિલ્હીમાં જે તથાકથિત વિપક્ષી દળોની બેઠક થઈ છે એ મહાગઠબંધનની હાર સ્વીકારનાર બેઠક છે. તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે મહાગઠબંધન પાસે ન તો કોઈ ગવર્નન્સના એજન્ડા છે અને ન તો લોકોને બતાવવા માટે કોઈ લીડરશિપ છે.

supreme court national news Election 2019