કેટલાક લોકો RSSને દેશનું પ્રતીક બનાવવા ઈચ્છે છેઃ સોનિયા ગાંધી

03 October, 2019 09:12 AM IST  |  નવી દિલ્હી

કેટલાક લોકો RSSને દેશનું પ્રતીક બનાવવા ઈચ્છે છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીના રાજઘાટ પર ગઈ કાલે આયોજીત કાર્યક્રમ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ. (તસવીર : પી.ટી.આઈ.)

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પર કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રહારો કર્યા છે. કૉન્ગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા માગે છે, પરંતુ એ શકય નથી. આપણા દેશના પાયામાં ગાંધીના વિચાર છે.

કૉન્ગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો રસ્તો અપનાવવાની પ્રેરણા આપી. આજે ભારત જ્યાં પહોંચ્યું છે ત્યાં ગાંધીના રસ્તા પર ચાલીને પહોંચ્યું છે. સોનિયાએ કહ્યું કે ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમના રસ્તા પર ચાલવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : ગાંધીજી એવી વ્યક્તિ હતા જેમના પર સમાજના દરેક વર્ગને વિશ્વાસ હતોઃ મોદી

કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયાએ કહ્યું કે મહાત્મા ગાંધીના રસ્તા પરથી હટીને પોતાની દિશામાં લઈ જનાર પહેલાં પણ ઓછા નહોતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને તેઓ પોત-પોતાને ખૂબ તાકતવર સમજે છે, તેમ છતાં ભારત ભટકશે નહીં, કારણ કે આપણા દેશમાં ગાંધીના વિચારોની આધારશિલા છે. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક લોકોએ ગાંધીના વિચારોને ઊલટા કરવાની કોશિશ કરી છે, કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધી નહીં, આરએસએસ દેશનું પ્રતીક બની જાય, પરંતુ આવું થઈ શકે નહીં.

sonia gandhi rashtriya swayamsevak sangh national news congress