પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારું ગળું દબાવ્યુ અને ધક્કો માર્યો

29 December, 2019 11:06 AM IST  |  New Delhi

પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારું ગળું દબાવ્યુ અને ધક્કો માર્યો

પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસના ૧૩૫મા સ્થાપના દિવસ પર પાર્ટીનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર મોટો શાબ્દિક હુમલો કર્યો હતો. લખનઉમાં કાર્યકરોને સંબોધન કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, મોદી સરકાર કાયર છે અને દેશ આ સરકારની કાયરતાને ઓળખી ગયો છે. લોકોએ જ્યારે એનઆરસી અને નાગરિક બિલ માટે વિરોધ કર્યો તો હવે આ સરકાર પાછળ હટી રહી છે. આ કાયરતાની નિશાની છે.

તેમણે કહ્યું હતું કે, લોકો પર યોગી સરકાર અને મોદી સરકારે અત્યાચાર કર્યા છે. જેમને જાનથી નથી મારી શક્યા તેમને લાકડીઓ વડે ફટકારવામાં આવ્યા છે અને જેલમાં ધકેલવામાં આવ્યા છે. યુવાઓ અને વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા છે જેઓ સંવિધાન માટે રસ્તા પર ઊતર્યા હતા. જો આપણે તેમની સામે અવાજ નહી ઉઠાવીએ તો આપણે પણ કાયર તરીકે ઓળખાઈશું.

પોલીસે મારું ગળું દબાવ્યું અને ધક્કો માર્યો : પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી શનિવારે લખનઉમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરતાં ધરપકડ કરાયેલા બે ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીઓને મળવા પહોંચ્યાં હતાં. પ્રિયંકાનો આરોપ છે કે ‘પોલીસે મને રસ્તામાં જ રોકી હતી. આ દરમ્યાન એક મહિલા પોલીસ-કર્મચારીએ મને ધક્કો મારીને પાડી નાખી અને મારું ગળું દબાવ્યું હતું.’

આ પહેલાં પ્રિયંકાએ કૉન્ગ્રેસના ૧૩૫મા સ્થાપના દિવસના અવસરે પાર્ટી-હેડક્વૉર્ટરમાં કાર્યકરાને સંબોધન કર્યું હતું. જ્યારે પ્રિયંકા રિટાયર થયેલા સદક ઝફરને ન મળી શક્યા તો તેઓ પ્રદર્શન દરમ્યાન ધરપકડ કરાયેલા અન્ય ભૂતપૂર્વ આઇપીએસ એસ. આર. દારાપુરી સાથે મુલાકાત કરવા ગયાં ત્યારે રોકવામાં આવતાં પ્રિયંકાએ કહ્યું કે મને સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને અટકાવવામાં આવી હતી. આ એસપીજીનો મુદ્દો નથી, પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસનો મુદ્દો છે.

પ્રિયંકા અત્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે જ્યાં તેઓ હિંસામાં ધરપકડ પામેલા અથવા માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને મળી રહ્યાં છે. ગયા રવિવારે તેમણે બિજનૌરમાં એક પ્રદર્શનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓ અચાન બિજનૌરના નહટૌર પહોંચ્યાં અને અનસ તથા સુલેમાનના ઘરે જઈને પરિવારના લોકો સાથે વાત કરીને સાંત્વના આપી હતી. બન્ને યુવક અચાનક ભડકેલી હિંસા દરમ્યાન ગોળીના શિકાર બન્યા હતા.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ, કહ્યું પાકિસ્તાન ચલે જાઓ

તેમણે બાદમાં કહ્યું કે મૃતક યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ એફઆઇઆર દાખલ કરાવવા માગતા હતા, પરંતુ પોલીસે તેમના પર જ એફઆઇઆર કરવાની ધમકી આપી છે. બિજનૌરમાં હિંસાની ન્યાયિક તપાસ થવી જોઈએ.

new delhi delhi national news priyanka gandhi