નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર નહીં, પબ્લિસિટી મિનિસ્ટર છે : રાહુલ ગાંધી

01 April, 2019 07:25 AM IST  | 

નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર નહીં, પબ્લિસિટી મિનિસ્ટર છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે એક ન્યુઝ-એજન્સીને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી નિષ્ફળ અર્થતંત્રનું નેતૃત્વ કરે છે અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કર્યાં નથી. મોદીજી પ્રાઇમ મિનિસ્ટર નહીં, પબ્લિસિટી મિનિસ્ટર છે. તેઓ અહંકાર અને ઉદ્ધતાઈને કારણે અથડાતા-કુટાતા ગતિ કરી રહ્યા છે.’

બીજું શું-શું કહ્યું કૉંગ્રેસ-પ્રમુખે?

પરિસ્થિતિની અનુકૂળતા હોય તો હું વડા પ્રધાન બનીશ કે નહીં એ બાબતે અત્યારે કંઈ પણ કહેવું વધારે પડતું કહેવાય. હું મોટાઈ કે આડંબર બતાવવા ઇચ્છતો નથી. જનતા સર્વોપરી છે. મારે શું બનવું એ જનતા નક્કી કરશે.

વડા પ્રધાન તેમના કાર્યાલયમાંથી ચોક્કસ પ્રકારની વિગતો બહાર પાડ્યા કરે છે. જૂઠાણાંને આધારે આપવડાઈ અને પોતાને મહાન ચીતરવામાં વ્યસ્ત વડા પ્રધાન ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે આપેલાં વચનો પૂરાં કરી શક્યા નથી. તેમનો અહંકાર અને તેમની સત્તાભૂખ અસાધારણ છે.

બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, નિષ્ફળ અર્થતંત્ર, રિઝર્વ બૅન્ક, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓને નબળી પાડવી કે ખતમ કરવી, ધર્માંધતાને ઉશ્કેરણી આવી, સમાજમાં ધિક્કારની લાગણી ફેલાવવી, મોદીનો વ્યક્તિગત ભ્રષ્ટાચાર, દલિતો અને અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોના અધિકારો પર તરાપ વગેરે અનેક મુદ્દા નોંધપાત્ર છે. એ બધા મુદ્દા મતદારો યાદ રાખશે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે મોદીજીએ આપેલાં અનેક વચનો હજી પણ સંતોષાયાં નથી. દરેક નાગરિકના બૅન્ક-ખાતામાં ૧૫ લાખ રૂપિયા ભરવા, વિદેશોમાં પડેલા ૮૦ લાખ કરોડ રૂપિયા કાળાં નાણાં ભારતમાં પાછાં લાવવા, દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવી, ૧૦૦ સ્માર્ટ સિટીની રચના કરવી વગેરે અનેક વચનો પૂરાં કરવામાં આવ્યાં નથી. એ બધા વિષયો ચૂંટણીના મુદ્દા બની શકે.

BJPએ દેશનું ભાવિ ધૂંધળું બનાવ્યું છે ત્યારે કૉંગ્રેસની લઘુતમ આવક માટેની ન્યુનતમ આય યોજના (ન્યાય) આશાના કિરણ સમાન છે. એ પણ આ ચૂંટણીનો વિશેષ મુદ્દો છે.

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે કૉંગ્રેસ

દિલ્હીમાં કૉંગ્રેસ અને AAP વચ્ચેના ગઠબંધનને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીમાં કૉંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે એવો નિર્ણય કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધો છે.

કૉંગ્રેસે દિલ્હીની ૭ સીટો પર ઉમેદવારોનાં નામ પણ નક્કી કર્યાં છે ત્યારે હવે કૉંગ્રેસ ઇલેક્શન કમિશનની બેઠક બાદ ઉમેદવારોનાં નામની જાહેરાત થશે એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગઈ કાલે રાત્રે દિલ્હીમાં કૉંગ્રેસની બેઠક યોજાઈ હતી. દિલ્હીના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતના નિવાસસ્થાને સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં પી. સી. ચાકો અને કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડશે રાહુલ ગાંધી, આ છે કારણ

ઉલ્લેખનીય છે કે અગાઉ શરદ પવારની મધ્યસ્થીમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક મળી હતી. તો બીજી તરફ દીક્ષિત AAP સાથે ગંઠબંધનની વિરુદ્ધમાં હોય એવું પણ લાગી રહ્યું છે.

narendra modi rahul gandhi national news congress bharatiya janata party