આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે

27 September, 2019 09:41 AM IST  |  સંયુક્ત રાષ્ટ્ર

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે

નરેન્દ્ર મોદી

ભારતે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારતના આ નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાન દુનિયાભરમાં અનેક દેશોના દ્વારે ડંકો દઈ આવ્યું પણ ક્યાંયથી એને સફળતા મળી નહીં. ત્યાર બાદ રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતને યુદ્ધની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું જેથી બન્ને દેશો વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ પહોંચ્યા છે. બરાબર આ સમયે જ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અમેરિકામાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે. આ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની જાહેરમાં ફજેતી કરશે.

આજે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૭.૫૦ વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં શું કહેશે? કયા મુદ્દે વાતચીત કરશે? એને લઈને દુનિયાભરની નજર ટકેલી છે. એવી જ રીતે ઇમરાન ખાન પણ પોતાના ભાષણમાં કાશ્મીર મુદ્દે બોલશે કે કેમ? એને લઈને પણ સૌકોઈની નજર છે. પીએમ મોદી અને ઇમરાન ખાનનું ભાષણ આગળ-પાછળ જ હોવાથી સૌકોઈની ઉત્સુકતા વધી ગઈ છે.

પીએમ મોદી આજે સાંજે પોતાનું ભાષણ આપશે. ત્યાર બાદ ત્રીજા જ નંબરે ઇમરાન ખાનનું ભાષણ શરૂ થશે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇમરાન ખાનનું ભાષણ સાંભળવા ત્યાં હાજર જ નહીં રહે. પીએમ મોદી પોતાનું ભાષણ પતાવીને ત્યાંથી નીકળી જશે અને હોટેલ પર આવશે.

આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી કરશે. પીએમ મોદીનો આ નિર્ણય મોટા ઉપાડે કાશ્મીર મુદ્દો ચગાવવાના ઇરાદા સાથે યુએન ગયેલા ઇમરાન ખાનને જોરદાર ઝાટકા સમાન માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે જ્યારથી ભારતે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવી છે અને રાજ્યનું પુનર્ગઠન કર્યું છે ત્યારથી પાકિસ્તાન હતાશ થયું છે અને એક પછી એક આત્મઘાતી પગલાં ભરી રહ્યું છે. સામે ભારતે પણ આક્રમક વલણ અખત્યાર કરતાં વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને બેઇજ્જત કર્યું છે. હવે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આકરો સંદેશ આપી દીધો છે.

કાશ્મીરમાં કર્ફ્યુ હટતાં જ મોટા પ્રમાણમાં નરસંહાર શરૂ થઈ જશેઃ ઇમરાન ખાન

ભારતે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બરાબરનું મરચું લાગ્યું છે. તેઓ દરેક મંચ પર જઈને કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, પણ કોઈ જ તેમને સાંભળવા તૈયાર નથી. હવે બરાબરના અકળાયેલા ઇમરાન ખાને કહ્યું છે કે કાશ્મીરમાં મોટા પ્રમાણમાં નરસંહાર થઈ શકે છે.

આ પણ વાંચો : Chadrayaan 2: જ્યાં વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર

કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં સતત હળહળતું જુઠ્ઠાણું ચલાવ્યા કરતા ઇમરાન ખાને કહ્યું છે કે કાશ્મીરમાંથી કર્ફ્યુ હટાવતાની સાથે જ ત્યાં સ્થિતિ એકદમ ભયાવહ બની જશે અને ત્યાં મોટા પ્રમાણમાં નરસંહાર થઈ શકે છે.

સાથે જ ઇમરાન ખાને કહ્યું હતું કે જો કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્ર જ કંઈ નહીં બોલે તો પછી અમારી વાત કોણ સાંભળશે?

narendra modi imran khan national news