જૈશે હુમલાની જવાબદારી લીધી, એનાથી મોટી શું સાબિતી જોઈએ પાકને: ભારત

19 February, 2019 08:31 PM IST  |  નવી દિલ્હી

જૈશે હુમલાની જવાબદારી લીધી, એનાથી મોટી શું સાબિતી જોઈએ પાકને: ભારત

ફાઇલ ફોટો

પુલવામા આતંકી હુમલા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મીડિયા સામે આપેલા જવાબનો ભારતના વિદેશ મંત્રાલયે પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમને એ વાતનું કોઈ આશ્ચર્ય નથી કે પાકિસ્તાનના વડાપ્રધાને પુલવામામાં અમારા સુરક્ષાદળો પર હુમલાને આતંકવાદની કાર્યવાહી માનવાનો ઇન્કાર કરી દીધો. પાકિસ્તાનના વડાપ્રધાને ન તો આ જઘન્ય કૃત્યની નિંદા કરી અને ન તો શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

હુમલાની સાબિતી માંગવી પાકિસ્તાનની રણનીતિ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમએ જૈશ-એ-મોહમ્મદની સાથે-સાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓને અવગણી નાખ્યા, જેમણે આ ભયાનક કૃત્યને અંજામ આપ્યો છે. આ એક સર્વવિદિત તથ્ય છે કે જૈશ-એ-મોહમ્દ અને તેનો નેતા મસૂદ અઝહર પાકિસ્તાનમાં રહે છે. કાર્યવાહી માટે પાકિસ્તાન પાસે પર્યાપ્ત સાબિતીઓ છે. જો ભારત સાબિતી આપે તો પાક પીએમે આ મામલાની તપાસ કરવાની રજૂઆત કરી છે.

આ એક અસંતોષજનક બહાનું છે. આ પહેલા 26/11ના રોજ મુંબઈમાં થયેલા હુમલામાં પાકિસ્તાનને સાબિતીઓ આપવામાં આવી હતી. તે છતાંપણ મામલામાં 10 વર્ષથી વધુ સમય થઇ ગયો ને કોઈ પ્રગતિ થઈ નથી. તે જ રીતે પઠાણકોટમાં આતંકી હુમલો થયો, જેમાં કોઈ પ્રગતિ ન થઈ.

આ પણ વાંચો: પાક. PM ઇમરાન ખાનને એક વધુ મોકો મળવો જોઈએ: મહેબૂબા મુફ્તી

આતંકીઓ સાથે સ્ટેજ શેર કરે છે પાકિસ્તાનના મંત્રી

પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ જોતા કાર્યવાહીના આશ્વાસનના ખોખલા દાવાઓ કરવામાં આવ્યા. 'નવા પાકિસ્તાન'માં મંત્રીઓ હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ સાથે સાર્વજનિક રીતે સ્ટેજ શેર કરે છે, જેના પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેસ ચલાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને વાતચીત માટે બોલાવ્યું અને આતંકવાદ વિશે વાત કરવા માટે પોતાની તત્પરતા દર્શાવી. ભારતે વારંવાર કહ્યું છે કે તે આતંક અને હિંસાથી મુક્ત માહોલમાં વ્યાપક દ્વિપક્ષીય વાતચીતમાં સામેલ થવા માટે તૈયાર છે.

jammu and kashmir imran khan