'સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાનને સમજાવો, તમને ગાળો પડે છે': દિગ્વિજય

19 February, 2019 12:52 PM IST  |  નવી દિલ્હી

'સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાનને સમજાવો, તમને ગાળો પડે છે': દિગ્વિજય

દિગ્વિજય સિંહ (ફાઇલ ફોટો)

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નવજોતસિંહ સિદ્ધુ પર ટ્વિટ કરીને તેમની હાંસી ઉડાવી છે. તેમણે કહ્યું છે, સિદ્ધુજી, તમારા દોસ્ત ઇમરાન ભાઈને સમજાવો. તમને તેના કારણે ગાળો પડી રહી છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર આપવામાં આવેલા નિવેદનને કારણે સિદ્ધુની ઘણી ટીકાઓ થઈ રહી છે. આ ઉપરાંત એવી ખબરો આવી કે તેમના ટીવી શૉ કોમેડી નાઇટ્સ વિથ કપિલમાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે તેઓ એ વાતનો ઇન્કાર કરી રહ્યા છે અને તેની અધિકૃત પુષ્ટિ હજુ થઇ નથી.

સિલાસિલાબદ્ધ ટ્વિટમાં દિગ્વિજયે બિંદાસ પોતાનો અભિપ્રાય આપ્યો છે. પોતાના નિવેદનોને કારણે ઘણીવાર ટીકાકારોના નિશાના પર રહેતા આ કોંગ્રેસી નેતાએ ઇમરાન ખાનને પણ પડકારી નાખ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, "પાકિસ્તાનના શ્રીમાન પ્રધાનમંત્રી, કમઓન! કંઇક સાહસ દર્શાવો અને હાફિઝ સઇદ અને મસૂદ અઝહર આંતકના સ્વઘોષિત પ્રમુખોને ભારતને સોંપી દો. આવું કરીને તમે પાકિસ્તાનને તો આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સક્ષમ તો થશો જ, સાથે જ નોબેલ શાંતિ પુરસ્કારના પ્રબળ દાવેદાર બની જશો."

દિગ્વિજયને પીએમ મોદી અને આરએસએસના કઠોર ટીકાકાર માનવામાં આવે છે. આ દરમિયાન તેમણે મોદીના સમર્થકો પર પણ નિશાન સાધ્યું. ટ્વિટમાં દિગ્વિજયે લખ્યું, "મને ખબર છે કે મોદી ભક્તો ટ્રોલ કરશે, પરંતુ મને તેની પરવા નથી. ઇમરાન ખાનને એક ક્રિકેટર તરીકે હું પસંદ કરું છું, પરંતુ તેઓ મુસ્લિમ કટ્ટરપંથીઓ અને આઇએસઆઇ સમર્થિત જૂથોનું સમર્થન કરી રહ્યા છે. મને આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો."

આ પણ વાંચો: પુલવામા હુમલો: સેનાની ચેતવણી, આતંકીઓને મદદ કરશો તો છોડવામાં નહી આવે

દિગ્વિજય સિંહે કાશ્મીરના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોનું ઉત્પીડન નહીં કરવાની અપીલ કરીને કહ્યું, 'એક ભારતીય તરીકે શું આપણે કાશ્મીરી વિદ્યાર્થીઓ અને કાશ્મીરી વેપારીઓને આખા દેશમાં પરેશાન કરવાનું ન છોડી શકીએ? શું આપણે એવું કાશ્મીર ઇચ્છીએ છીએ જેમાં એક પણ કાશ્મીરી ન હોય? એક રાષ્ટ્ર તરીકે આપણે આપણો વિકલ્પ પસંદ કરવો જ પડશે.'

digvijaya singh congress navjot singh sidhu terror attack