દર મહિને અપાતી રૂ.500ની મદદ ભવિષ્યમાં વધી શકે છે: જેટલી

03 February, 2019 06:45 PM IST  |  નવી દિલ્હી

દર મહિને અપાતી રૂ.500ની મદદ ભવિષ્યમાં વધી શકે છે: જેટલી

અરૂણ જેટલી (ફાઇલ ફોટો)


ઇલાજ માટે અમેરિકા ગયેલા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ રવિવારે સંકેત આપ્યા કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળનારી 500 રૂપિયાની રકમ ભવિષ્યમાં વધી શકે છે. જેટલીએ કહ્યું કે સંસાધનો વધવાની સાથે જ રકમને વધારવામાં આવી શકે છે અને રાજ્ય પોતાની યોજનાઓ દ્વારા પણ તેને વધારી શકે છે. જેટલીએ ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી છે.

1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણામંત્રી પીયૂષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી હતી. તે હેઠળ 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા 2-2 હજારના 3 ઇન્સ્ટોલમેન્ટ્સમાં સીધા ખાતામાં આપવામાં આવશે. સ્કીમથી 12 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો પહોંચાડવાની અપેક્ષા છે. સંપૂર્ણ રકમને જો મહિનાઓમાં વહેંચવામાં આવે તો રૂ.500 પ્રતિમાસ થાય છે.

જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તે નિવેદન પર જવાબ આપ્યો જેમાં તેમણે ખેડૂતોને દરરોજ 17 રૂપિયાની મદદ સરકાર દ્વારા કરવાની વાત કરી હતી. જેટલીએ કહ્યું- વિપક્ષના નેતાઓએ પરિપક્વ હોવું જોઈએ. તેમને એ વાતનો અહેસાસ હોવો જોઈએ કે તેઓ દેશની ચૂંટણીમાં હિસ્સો લેવા જઈ રહ્યા છે, કોલેજની ચૂંટણીમાં નહીં.

જેટલીએ કહ્યું કે ખેડૂતોને સંકટમાંથી ઉગારવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ ઉપરાંત અમે ખેડૂતોને ઘર, સસ્તું ભોજન, મફત સ્વાસ્થ્ય તપાસ અને ઇલાજ, સ્વચ્છતા, વીજળી, સડક, ગેસ કનેક્શન દેવી સુવિધાઓ આપી રહ્યા છીએ. અમે ક્રેડિટ કાર્ડની લિમિટનો પણ બેગણી કરી દીધી છે અને તેના પર અતિશય સસ્તા દરે લોન આપવામાં આવી રહી છે.

જેટલીએ કહ્યું કે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરતી આ યોજનાનું આ પહેલું વર્ષ છે. હું વિશ્વાસથી કહી શકું છું કે જેમ-જેમ સરકારના સંસાધનો વધશે, આ રકમમાં વધારો થશે.

આ સ્કીમથી 15 કરોડ જમીનવિહોણા ખેડૂતોના બહાર રહેવા પર જેટલીએ કહ્યું- ગ્રામ્ય વિસ્તારોમાં અમે રોજગાર ગેરંટી માટે મનરેગા સ્કીમ શરૂ કરી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને અન્ય ફાયદાઓ પણ આપવામાં આવી રહ્યા છે.

જેટલીએ કહ્યું કે કોંગ્રેસ પોતાના કાર્યકાળમાં સૌથી મોટા કામનો જે દાવો કરે છે, તે ખેડૂતોને 70 હજાર કરોડની દેવાંમાફીની જાહેરાત છે. જ્યારે હકીકત એ છે કે ફક્ત 52 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવ્યું હતું. CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ રકમનો મોટો હિસ્સો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસે ગયો હતો.

આ પણ વાંચો: અમને સત્તા મળી તો દરેક ગરીબના ખાતામાં પૈસા હશે: રાહુલ ગાંધી

જેટલીએ કહ્યું, "પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ અમે 75 હજાર કરોડ વાર્ષિક રકમ આપવાથી શરૂઆત કરી રહ્યા છીએ. હું જોઈ શકું છું કે આવનારા વર્ષોમાં આ રકમ વધશે. જો રાજ્યો આમાં મદદ કરે તો આ રકમ હજુ વધશે. કેટલાક રાજ્યોએ યોજના શરૂ પણ કરી છે અને મને લાગે છે કે બીજાઓએ પણ તેનું અનુસરણ કરવું જોઈએ."

arun jaitley