કોઈનો પણ દીકરો હોય, પક્ષમાંથી બહાર કરો: નરેન્દ્ર મોદી

03 July, 2019 11:21 AM IST  |  નવી દિલ્હી

કોઈનો પણ દીકરો હોય, પક્ષમાંથી બહાર કરો: નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના દીકરા અને ઈન્દોરના ધારાસભ્ય આકાશ દ્વારા સરકારી અધિકારીને માર મારવાની ઘટનાની પીએમ મોદીએ ગંભીર નોંધ લીધી છે. મોદીએ નામ લીધા વિના જ આકાશની હરકત પર આકરી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, આવા નેતાઓને પક્ષમાંથી બહાર કરવા જોઈએ. મંગળવારે થયેલી સંસદીય દળની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારનો દુર્વ્યવહાર સ્વીકાર્ય નથી.

પીએમે કહ્યું હતું કે રાજકારણમાં શિસ્ત હોવી જરૂરી છે. દુર્વ્યવહાર કરનારા લોકોને પક્ષમાંથી બહાર કરી દેવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આમ કરનારા ભલે ગમે તેના દીકરા હોય, તેમને મનમાની કરવાની પરવાનગી ન આપી શકાય.

પીએમે પોતાની આ ટિપ્પણમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ એમ મનાઈ રહ્યું છે કે તેમનો સ્પષ્ટ ઈશારો આકાશ વિજયવર્ગીય પર હતો. આકાશે દબાણ હટાવવા આવેલા ઈન્દોર મ્યુ. કોર્પોરેશનના અધિકારીને બેટ વડે દોડાવી-દોડાવીને માર્યા હતા. આ મામલે એટલો વિવાદ થયો હતો કે આકાશને જેલભેગા થવું પડ્યું હતું. જોકે, તે જામીન પર છૂટ્યો ત્યારે તેના પરિવારજનો અને સમર્થકો દ્વારા તેનું જોરદાર સ્વાગત કરાયું હતું.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં કૉંગ્રેસી કાર્યકરનો આત્મહત્યાનો પ્રયાસ

જામીન પર છૂટ્યા બાદ પણ આકાશે પોતાનો રોફ બતાવતા કહ્યું હતું કે તે જનતાની સેવા કરતો રહેશે. આકાશે કહ્યું હતું કે, હું જનતાની સેવા કરતો રહીશ, જેલમાં સમય સારી રીતે વિત્યો. તેણે કહ્યું હતું કે, પોલીસ સામે મહિલાને ઢસડવામાં આવી રહી હતી, ત્યારે હું બીજું કંઈ વિચારી શકું તેમ હતો જ નહીં. મેં જે પણ કર્યું તેનો મને કોઈ અફસોસ નથી. હું ભગવાનને એટલી પ્રાર્થના ચોક્કસ કરીશ કે તે મને ફરી બૅટિંગ કરવાનો મોકો ન આપે.

narendra modi national news new delhi