વંદે ભારત ફરી અકસ્માતનો શિકાર, 7 બોગીઓના કાચ અને એન્જિનની બારીઓ તૂટી

24 February, 2019 03:48 PM IST  | 

વંદે ભારત ફરી અકસ્માતનો શિકાર, 7 બોગીઓના કાચ અને એન્જિનની બારીઓ તૂટી

ફાઇલ ફોટો

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એકવાર ફરી અકસ્માતનો શિકાર થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના કાનપુર-ટુંડલા પાસે અછાલદામાં 23 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસમાં ફરીથી અકસ્માતના સમાચાર સામે આવ્યા. ઉત્તરી રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું કે ટ્રેનની ડ્રાઇવર સીટની પાસેની સ્ક્રીન ખરાબ રીતે તૂટી ગઈ છે. આ ઉપરાંત, ટ્રેનની સાત બોગીઓ અને 8 બારીઓના તૂટવાની જાણકારી પણ સામે આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના બાજુના પાટા પર જ દિબ્રૂગઢ રાજધાની આવી રહી હતી. વારાણસીથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ એક અન્ય ટ્રેન પર થઈ રહેલા પથ્થરમારાની ઝપટમાં આવી ગઈ, જેનાથી તેના ડ્રાઇવરની મુખ્ય બારી સહિત કેટલીક અન્ય બારીઓને નુકસાન પહોંચ્યું. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે અછાલદામાં પાસેની લાઈન પરથી પસાર થઈ રહેલી દિબ્રૂગઢ રાજધાની નીચે એક ઢોર કચડાઈ મર્યું અને તેનાથી નારાજ થયેલા લોકોએ તેના પર પથ્થરમારો કર્યો. વંદે ભારત એક્સપ્રેસ પણ આ પથ્થરમારાની ઝપટમાં આવી ગઈ.

સીપીઆરઓએ કહ્યું, "પથ્થરના ટુકડા ડ્રાઇવરની વિંડસ્ક્રીન અને કોચ સંખ્યા C4, C6, C7, C8 અને C13ની બહારના કાચ અને C12ના બે કાચના પેનલ પર લાગ્યા. તેનાથી નુકસાન થયું છે." ટ્રેનમાં હાજર ટેક્નીકલ કર્મચારીઓએ ક્ષતિનું આકલન કર્યું અને જાણ્યુ કે ટ્રેન પોતાની આગળની યાત્રા માટે બિલકુલ ઠીક છે.

રેલવે તૂટેલી બારીઓનું સમારકામ કરાવી રહ્યું છે. રેલવેએ જણાવ્યું કે યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા નથી થઈ. સીપીઆરઓએ જણાવ્યું કે કોઇ પેસેન્જરને કોઈ નુકસાન થયું નથી અને ટ્રેન કોઇપણ વિલંબ વગર પોતાના ગંતવ્ય તરફ પ્રસ્થાન કરી ગઈ છે. બારીઓ પર સેફ્ટી શીટ લગાવીને ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે.

ભારતની સૌથી ઝડપી ટ્રેન સાથે બે મહિનામાં આવી ત્રીજી-ચોથી ઘટના સામે આવી છે. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપકકુમારે જણાવ્યું કે જ્યારે આ અકસ્માત થયો, ત્યારે ટુંડલા જંક્શન પર ટ્રેન ક્રોસ કરી રહી હતી. આ પહેલા ડિસેમ્બર 2018માં ટ્રેન 18ના દિલ્હીથી આગ્રા વચ્ચેના પરીક્ષણ દરમિયાન પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આજથી શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ, PMએ આપી લીલી ઝંડી

પથ્થરમારા દરમિયાન ટ્રેનના કોચના કાચ તૂટી ગયા હતા. તે જ મહિનાની શરૂઆતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેન 18ને લીલી ઝંડી આપવામાં આવી હતી.

narendra modi