શરદ પવાર કૃષિપ્રધાન હતા ત્યારે ખેડૂતો માટે શું કર્યું : અમિત શાહ

02 September, 2019 02:58 PM IST  | 

શરદ પવાર કૃષિપ્રધાન હતા ત્યારે ખેડૂતો માટે શું કર્યું : અમિત શાહ

એનસીપીના પ્રમુખ શરદ પવાર કેન્દ્રના કૃષિપ્રધાન હતા ત્યારે એમણે મહારાષ્ટ્રના ખેડૂતોને નાણાકીય સહાય અપાવવા માટે શું કર્યું? એવો પ્રશ્ન કેન્દ્રના ગૃહપ્રધાન અને બીજેપીના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે કર્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૧ ઑગસ્ટે શરૂ કરેલી ‘મહાજનાદેશ યાત્રા’ની દક્ષિણ મહારાષ્ટ્રના સોલાપુરમાં પૂર્ણાહુતિ વખતે અમિત શાહે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત શાહે જણાવ્યું હતું કે ‘લગભગ દાયકા પૂર્વેની કૉન્ગ્રેસપ્રણિત યુપીએ સરકારમાં શરદ પવાર ખેતીવાડી મંત્રાલયનો અખત્યાર સંભાળતા પ્રધાન હતા. તેઓ સત્તા પર હતા ત્યારે એમણે કેટલાં કાર્યો કર્યા અને મહારાષ્ટ્ર માટે કેટલું ભંડોળ લાવ્યા હતા એ જણાવવાની હું પવાર સાહેબને વિનંતી કરું છું.’મહાજનાદેશ યાત્રા યોજવા પાછળ બીજેપીના ઇરાદા સામે સવાલ ઊભો કરનારા વિરોધ પક્ષોને જવાબ આપતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘સરકારે કરેલાં વિકાસકાર્યોની વિગતો સામાન્ય નાગરિકોને જણાવવી જોઈએ એવું બીજેપીનું માનવું છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રને અને ખાસ કરીને ખેડૂતોને કેટલી નાણાકીય સહાય અપાવી એની વિગતો જાહેર કરવી જોઈએ. ૧૩મા નાણાં પંચના વખતમાં શરદ પવાર મહારાષ્ટ્ર માટે ફક્ત ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ લાવી શક્યા હતા, જ્યારે મોદી સરકારે રાજ્યને ૨.૮૬ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. શરદ પવાર રાજ્ય માટે જે રકમની સહાય લાવ્યા હતા એથી અઢી ગણી આ રકમ છે.’

આ પણ વાંચો: Colour Blindnessનો શિકાર છે ઝુકરબર્ગ, એટલે ફેસબુકનો રંગ છે બ્લ્યૂ

બીજેપી પૂરા દરવાજા ખોલશે તો કૉન્ગ્રેસ-એનસીપી ખાલીખમ થઈ જશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિરોધ પક્ષોમાંથી બીજેપીમાં જોડાતા નેતાઓના વિવાદનો જવાબ આપતાં અમિત શાહે કહ્યું હતું કે ‘બીજેપી જો દરવાજા પૂરેપૂરા ખોલશે તો કૉન્ગ્રેસ અને એનસીપી સાવ ખાલીખમ થઈ જશે. ફક્ત શરદ પવાર અને પૃથ્વીરાજ ચવ્હાણ રહેશે અને બાકી બધા બીજેપીમાં સામેલ થઈ જશે.’ શરદ પવાર એનસીપીના પ્રમુખ અને પૃથ્વીરાજ ચવ્હાણ કૉન્ગ્રેસના નેતા છે. બન્ને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. સોલાપુર કૉન્ગ્રેસના હેવીવેઇટ અને રાજ્યના મુખ્ય પ્રધાન અને કેન્દ્રના ગૃહપ્રધાન સહિતના હોદ્દા શોભાવી ચૂકેલા નેતા સુશીલકુમાર શિંદેનું હોમગ્રાઉન્ડ છે.

 

amit shah gujarati mid-day