મહાકુંભમાં ગયેલા ૮૬૯ શ્રદ્ધાળુઓ હજી મિસિંગ

10 March, 2025 08:15 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

પરિવારજનો આ ખોવાઈ ગયેલા લોકોને શોધી રહ્યા છે, પણ કોઈ ભાળ મળતી નથી: કુલ ૩૫,૯૫૨ લોકો ગુમ થયા, જેમાંથી ૩૫,૦૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા

ખોયા પાયા સેન્ટર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૬ દિવસનો મહાકુંભ પૂરો થયો છે અને એમાં ૬૬.૩૨ કરોડથી વધારે લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. આ મહાપર્વમાં આશરે ૩૫,૦૦૦થી વધારે લોકો તેમના પરિવારજનોથી વિખૂટા પડી ગયા હતા જેમનું ખોયા-પાયા કેન્દ્રોની મદદથી પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું હતું. આમ છતાં ૮૬૯ લોકો એવા છે જેઓ હજી ગુમ છે અને તેમના પરિવારજનો તેમને પ્રયાગરાજ કે ચિત્રકૂટમાં શોધી રહ્યા છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પહેલ પર કુલ ૧૦ ડિજિટલ ખોયા-પાયા સેન્ટરો સ્થાપવામાં આવ્યાં હતાં. ૨૦૧૯માં થયેલા કુંભમેળામાં ૪૭,૦૦૦ લોકો ગુમ થયા હતા, પણ તેમને પરિવારજનો સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા. આ વખતે કુલ ૩૫,૯૫૨ લોકો ગુમ થયા હતા જેમાંથી ૩૫,૦૮૩  લોકોને શોધી કાઢવામાં આવ્યા છે અને ૮૬૯ લોકો હજી ગુમ છે.

મહાકુંભ પૂરો થવા છતાં ડિજિટલ ખોયા-પાયા કેન્દ્રો ઍક્ટિવ છે. એમાં સેંકડો લોકોના ગુમ થયાનાં પોસ્ટરો લાગેલાં છે. ઘણા પરિવારજનો ગુમ થયેલા તેમના સ્વજનોને પ્રયાગરાજમાં જ શોધી રહ્યા છે. કેટલાક લોકો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં મૂકી રહ્યા છે અને ગુમ થયેલા લોકોને પાછા ઘરે પહોંચવા માટે વિનંતી કરી રહ્યા છે.

ગ્યારસા માલીને શોધવા તેમનો પુત્ર ધન્વેશ માલી પ્રયાગરાજમાં ચક્કર કાપી રહ્યો છે. તેણે પપ્પાનો વિડિયો બનાવ્યો છે અને લોકોને અપીલ કરી છે કે તેમને શોધવામાં મદદ કરે.
બિહારથી આવેલા ૪૫ વર્ષના ડૉ. નીરજ પંકજની પત્ની પ્રીતિ કિશોર ૨૦ ફેબ્રુઆરીથી ગુમ છે. તેમણે ચિત્રકૂટ જઈને પણ પ્રીતિની શોધ કરી છે. તે હજી મળી નથી.

રેખા દ્વિવેદીને છોડી પરિવાર જતો રહ્યો

રેખા દ્વિવેદી પણ અન્ય લોકોની જેમ ગુમ થઈ ગયાં હતાં. તેમને શોધી કાઢીને પ્રયાગરાજના અરૈલમાં એક શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યાં છે. તેમના પરિવારે તેમને મહાકુંભમાં છોડી દીધાં છે. તેમના પતિ સમાજમાં સારું નામ ધરાવે છે, પુત્રો પણ સફળ અને સેટલ્ડ છે છતાં તેમને છોડીને સૌ જતા રહ્યા છે. તેમને લેવા કોઈ આવતું નથી. તેઓ શેલ્ટર હોમમાં બેઠાં-બેઠાં કોઈ તેમને આવીને લઈ જાય એની રાહ જોતાં બારી પાસે બેસી રહે છે અને તેમની નજર હંમેશાં દરવાજા તરફ રહે છે.

મહાકુંભમાં ખાદી ઉત્પાદનોનું બમ્પર વેચાણ, ૧૨ કરોડથી વધારેનો સામાન વેચાઈ ગયો

પ્રયાગરાજમાં મહાકુંભમાં ૧૪ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી વચ્ચે ૧૨.૦૨ કરોડ રૂપિયાનાં ખાદીનાં ઉત્પાદનો વેચાયાં હતાં. કુંભમાં ખાદી ઉત્પાદકોના ૯૮ સ્ટૉલ અને ગ્રામ ઉદ્યોગના ૫૪ સ્ટૉલ લગાવવામાં આવ્યા હતા. ખાદીના ૯.૭૬ કરોડ રૂપિયાનાં ઉત્પાદનો અને ગ્રામીણ ઉદ્યોગના ૨.૨૬ કરોડ રૂપિયાનાં ઉત્પાદનો વેચાયાં હતાં. ગયાં ૧૦ વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણમાં પાંચગણો વધારો થયો છે. પહેલાં ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થતું હતું જે હવે ૧,૫૫,૦૦૦ કરોડ રૂપિયા થયું છે.

national news india kumbh mela prayagraj uttar pradesh religious places yogi adityanath