16 August, 2025 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
૭૯મા સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સળંગ બારમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને દેશને સંબોધન કર્યું હતું. એ પછી તેમણે ૧૦૩ મિનિટ લાંબું ભાષણ આપ્યું હતું. આ દરમ્યાન તેમણે બે નવા રેકૉર્ડ નોંધાવ્યા હતા. વડા પ્રધાન તરીકે લાલ કિલ્લા પરથી સૌથી લાંબું ભાષણ આપવાના રેકૉર્ડ સાથે તેમણે ઇન્દિરા ગાંધીનાં સળંગ ૧૧ ભાષણોનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. ગયા વર્ષે પણ વડા પ્રધાન મોદીએ ૯૮ મિનિટનું ભાષણ આપીને એક નવો રેકૉર્ડ બનાવ્યો હતો.
પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ ઑપરેશન સિંદૂર, આતંકવાદ, ભારતની આત્મનિર્ભરતા, નક્સલવાદ તથા ગેરકાયદે ઘૂસણખોરી સુધીના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે નામ લીધા વગર ડોનલ્ડ ટ્રમ્પને પણ જવાબ આપી દીધો હતો અને ખેડૂતો માટેના કોઈ પણ અહિતકારી નિર્ણય વચ્ચે તેઓ દીવાલની જેમ ઊભા હોવાનું કહ્યું હતું.
છેલ્લાં ૧૨ વર્ષમાં નરેન્દ્ર મોદીનાં ભાષણોનો સમય
2025 – ૧૦૩ મિનિટ
2024 – ૯૮ મિનિટ
2023 – ૯૦ મિનિટ
2022 – ૮૩ મિનિટ
2021 – ૮૮ મિનિટ
2020 – ૮૬ મિનિટ
2019 – ૯૩ મિનિટ
2018 – ૮૨ મિનિટ
2017 – ૫૬ મિનિટ
2016 – ૯૬ મિનિટ
2015 – ૮૬ મિનિટ
2014 – ૬૫ મિનિટ