16 August, 2025 08:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ વરસાદ પડતો હોવા છતાં છત્રી વગર જોવા મળ્યા હતા
કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૭૯મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપી નહોતી. તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં અટકળોને વેગ આપ્યો હતો. વિપક્ષ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નહોતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું રાહુલ ગાંધી ગયા વર્ષે બેઠક-વ્યવસ્થા સંદર્ભે ગુસ્સે હતા એને કારણે તેઓ આ વખતે કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.
સ્વતંત્રતાદિવસ નિમિત્તે મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી-કાર્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. એ દરમ્યાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. રાહુલ વરસાદ પડતો હોવા છતાં છત્રી વગર જોવા મળ્યા હતા. રાહુલે સ્વતંત્રતાદિવસ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવી હતી. બીજી મહત્ત્વની વાત એ હતી કે કૉન્ગ્રેસના કાર્યાલયમાં ત્રિરંગો એટલી ઊંચાઈએ બાંધવામાં આવ્યો હતો કે એને રિમોટથી ફરકાવવો પડ્યો હતો.