પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં દેશભરમાં કુલ 63 ટકાથી વધુ મતદાન

13 May, 2019 07:20 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં દેશભરમાં કુલ 63 ટકાથી વધુ મતદાન

ગઈ કાલે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી

સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન યોજાયું હતું જે સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૩.૩ ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચરણમાં ૭ રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન થયું હતું. જેનું પરિણામ ૨૩ મેએ આવશે.

છઠ્ઠા ચરણમાં સરેરાશ ૬૩.૩ ટકા મતદાન થયું છે. રાજ્ય પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ૮૦.૧૬ ટકા, દિલ્હીમાં ૫૫.૪૪ ટકા, હરિયાણામાં ૬ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૨ ટકા, બિહારમાં ૫૫.૦૪ ટકા, ઝારખંડમાં ૬૪.૪૬ ટકા અને મધ્ય પ્રદેશમાં ૫૯.૯૬ ટકા મતદાન થયું છે.

નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ અને તેમનાં પત્ની ઉષા નાયડુએ સજોડે મતદાન કર્યું હતું.

આજના ચરણમાં કેન્દ્રીય પ્રધાનો મેનકા ગાંધી અને ડૉ. હર્ષવર્ધન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવ, કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને બીજેપીના વિવાદાસ્પદ ઉમેદવાર (ભોપાલ, મધ્ય પ્રદેશ) સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, ગૌતમ ગંભીર, નિરહુઆ, મનોજ તિવારી, મીનાક્ષી લેખી સહિતના કુલ ૯૬૮ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઇ ગયું છે.

પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં પણ હિંસા જોવા મળી છે. અહીંના ઘાટાલથી બીજેપીના ઉમેદવાર પૂવર્‍ આઈપીએસ અધિકારી ભારતી ઘોષના કાફલા પર હુમલો થયો છે. તેમની ગાડીના કાચ તૂટ્યા છે. કેશપુર મતદાન કેન્દ્રની બહાર કથિત રીતે તેમની સાથે મારપીટ અને ધક્કામુક્કી થઈ છે. બીજેપીએ આ ઘટના માટે તૃણમૂલ કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. ચૂંટણીપંચે આ મામલે જિલ્લા અધિકારી પાસેથી રિપોર્ટ માગ્યો છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીએ દિલ્હીનાં રાજકીય સમીકરણો બદલાયાં જેમાં કૉંગ્રેસ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો. પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ રાજધાનીમાં ગુમાવેલી ઈજ્જત ફરી મેળવવા માટે જોર લગાવી રહી છે.

આ પણ વાંચો : જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

દિલ્હીમાં અનેક વિસ્તારમાં ઈવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદ સામે આવી છે. દિલ્હીના ચાંદની ચોક, સિવિલ લાયન્સ, મટિયા મહલ, યમુના વિસ્તારમાં ઈવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદ સામે આવી છે તો અનેક મતદારો મતદાન કર્યા વગર પરત ફર્યા છે. ત્યારે કૉંગ્રેસે આ મામલે આરોપ લગાવ્યો કે મુસ્લિમ વિસ્તારમાં બીજેપીએ ઈવીએમ સાથે ચેડાં કર્યા છે. દિલ્હીમાં સાત સીટ પર મતદાન યોજાયું છે. આ તમામ સીટ પર જોકે, બીજેપીનો કબજો છે, પણ અહીં બીજેપી, કૉંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે. તો ચાંદની ચોકમાં પણ ઈવીએમ ખોટકાયાં હોવાથી મતદારો મતદાન કર્યા વગર જ પરત ફર્યા છે.

west bengal Lok Sabha Election 2019 national news