૫.૨૧ લાખ કે ૪૦ લાખ, સાચો આંકડો કયો?

18 April, 2022 09:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં કોરોનાથી મોતના ઑફિશ્યલ આંકડા અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અંદાજ વચ્ચે ખૂબ જ વધારે અંતર: આરોગ્ય મંત્રાલયે મોતના અંદાજ માટેની વૈશ્વિક સંસ્થાની પદ્ધતિ સામે સવાલો કર્યા

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજથી ગુજરાતની ત્રણ દિવસની વિઝિટ પર આવશે

ભારતે દેશમાં કોરોનાથી થયેલા મોતના અંદાજ માટેની વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની પદ્ધતિ સામે સવાલો કર્યા છે. ભારત સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આટલું વિશાળ ભૌગોલિક ક્ષેત્ર અને વસ્તી ધરાવતા દેશ માટે મોતનો અંદાજ કાઢવા માટે આ પ્રકારના મૅથેમૅટિકલ મૉડલને લાગુ ન કરી શકાય.

વાસ્તવમાં ૧૬ એપ્રિલે ન્યુ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટને લઈને આ નવા વિવાદની શરૂઆત થઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વમાં કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો જાહેર કરવા માટેના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રયાસને ભારત અટકાવી રહ્યું છે. હવે આ સંબંધમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશે ઉપયોગમાં લેવામાં આવેલી પદ્ધતિ વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સમક્ષ અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૫.૨૧ લાખની આસપાસ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અંદાજ અનુસાર ભારતમાં કોરોનાના કારણે ઓછામાં ઓછા ૪૦ લાખ લોકો મૃત્યુ પામ્યાં છે.

આ ઍનૅલિસિસમાં ટાયર-વન દેશોમાંથી સીધા જ મેળવવામાં આવેલા મોતના આંકડાઓનો સેકન્ડ ટાયરના દેશો (જેમાં ભારત સામેલ છે)માં મોતના અંદાજ માટે એક મૅથેમૅટિકલ મૉડલનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘આ મૉડલમાં ભારતના મોતના બે જુદા-જુદા આંકડા મળે છે. એકમાં ટાયર-વન દેશોમાંથી મેળવવામાં આવેલા ડેટાના આધારે અંદાજ જ્યારે બીજામાં ભારતનાં ૧૮ રાજ્યોમાંથી ચકાસણી વિનાના ડેટા એમ બંનેમાં અલગ-અલગ આંકડા મળે છે. દેશમાં કોરોનાથી મોતના અંદાજમાં વેરિએશનથી આ પદ્ધતિની ઍક્યુરસી સામે સવાલ ઊભા થાય છે.’

દિલ્હી-એનસીઆરમાં ૧૫ દિવસમાં કેસમાં ૫૦૦ ટકાનો વધારો

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. લોકલસર્કલ્સ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત બહાર આવી હતી. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી-એનસીઆરમાં પોતાના નજીકના સોશ્યલ નેટવર્કમાં કોઈને કોરોના થયો હોવાનું જણાવતા લોકોની સંખ્યામાં છેલ્લા ૧૫ દિવસમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. આ સર્વેમાં દિલ્હી અને એનસીઆરના ૧૧,૭૪૩ લોકો પાસેથી માહિતી મેળવાઈ હતી. 

national news coronavirus covid19 world health organization india