કોરોનાની વૅક્સિન લીધા બાદ દેશમાં અત્યાર સુધીમાં ૪૮૮ લોકોનાં મોત

14 June, 2021 06:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં અત્યાર સુધી ૨૩.૫ કરોડ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે, જેમાંથી ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોના વાયરસ (COVID-19)એ હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વાયરસ સામે લડવા માટે વૅક્સિનેશન અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દેશમાં ગત અઠવાડિયા સુધીમાં કુલ ૨૩.૫ કરોડ લોકોને વૅક્સિન આપવામાં આવી છે. તેમાંથી કુલ ૪૮૮ લોકોનાં મોત થયા છે અને ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ હોવાનું આંકડાઓ જણાવે છે.

CNA ન્યૂઝ18ના આંકડાઓ મુજબ, ૭ જુન સુધીમાં દેશમાં ૨૩.૫ કરોડ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. વૅક્સિન લીધા બાદ અત્યાર સુધીમાં ૪૮૮ લોકોના મોત થયા છે. જ્યારે આ સમય દરમિયાન ૨૬,૨૦૦ લોકોને ખરાબ રીતે અસર થઈ છે. વિજ્ઞાનની ભાષામાં આને એડવર્ઝ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન (AEFI) કહેવામાં આવે છે. જો તે ટકાવારીમાં જોવામાં આવે તો તે માત્ર ૦.૦૧ ટકા છે. એટલે કે, ૧૪૩ દિવસની અંદર, ૧૦,૦૦૦ લોકોમાંથી માત્ર એક વ્યક્તિને વૅક્સિમની વધુ આડઅસર દેખાઈ છે. જ્યારે દર દસ લાખ વૅક્સિન લેનારા લોકોમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં છે. જો આંકડાઓને બારીકાઇથી જોવામાં આવે તો, મૃત્યુની સંખ્યા ખુબ ઓછી છે. આ આંકડા ૧૬ જાન્યુઆરીથી ૭ જુન સુધીના છે.

AEFIના કુલ કેસો ૨૬,૨૦૦ માંથી બે ટકા એટલે કે ૪૮૮ના મૃત્યુ થયા હતા. મૃતકોમાં કુલ ૩૦૧ પુરુષો અને ૧૭૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ડેટામાં બાકીના નવ લોકોના લિંગનો ઉલ્લેખ નથી. મૃત્યુ પામનારાઓમાં, ૪૫૭ લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો. જ્યારે મૃત્યુ પામનારા ૨૦ લોકોને કોવૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.

દરેક દેશમાં આવા ડેટા એકત્રિત કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં વૅક્સિનની આડઅસર ઓછી થઈ શકે.

મળતી માહિતી પ્રમાણે, ભારત બાયોટેકની કોવૅક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ આ બન્ને રસીઓમાં ૦.૧ ટકા AEFI કેસ મળી આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આંકડાઓને જોતા મૃત્યુની સંખ્યા અને AEFIના કેસો બન્ને ખુબ ઓછા છે. આ સ્થિતિમાં, નિષ્ણાતો વૅક્સિન લેવાની સલાહ આપી રહ્યા છે.

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં વૅક્સિન કોરોનાને હરાવવાનું એકમાત્ર વાસ્તવિક હથિયાર છે.

coronavirus covid19 covid vaccine vaccination drive national news new delhi