03 February, 2025 10:33 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પાછા ફરતા ભક્તો.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન નિમિત્તે કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે ૧૨૦૦ જણની મેડિકલ ટીમને અલર્ટ મોડ પર તહેનાત કરવામાં આવી છે.
મહાકુંભ નગરમાં લોકોને તરત મદદ કરી શકાય અને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા મેડિકલ ટીમના ૧૨૦૦ કર્મચારીઓને બૅકઅપ પ્લાન સાથે સાબદા રહેવાના આદેશ આપવામાં આવ્યા છે અને તેમને ૬ ફેબ્રુઆરી સુધી ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્પષ્ટ અને વિગતવાર ઇન્સ્ટ્રક્શન આપીને કહ્યું છે કે કરોડો યાત્રાળુઓની સેફટી અને સુવિધા માટે પૂરતું ધ્યાન આપવામાં આવે. બધા જ ડૉક્ટરોને કુંભ મેળામાં આવતા ૩-૪ દિવસ હાજર રહેવાના આદેશ આપી દેવાયા છે.
ગઈ કાલે સંગમમાં ડૂબકી લગાવતા ભક્તોને સ્નાન કર્યા પછી તરત બહાર નીકળવાની સૂચના આપતો પોલીસ.
એ સિવાય જો કોઈ મેડિકલ ઇમર્જન્સી સર્જાય તો એ માટે ૫૦ ઍમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. હૉસ્પિટલનો સ્ટાફ, સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (SDRF), નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (NDRF) અને પોલીસ મેડિકલ સપોર્ટ અને સહાય માટે રાઉન્ડ ધ ક્લૉક ફરજ બજાવશે.
ડૉક્ટરો અને મેડિકલના અન્ય કર્મચારીઓ સતત હાજર રહે એ માટે તેમના રહેવાની અને ભોજનની વ્યવસ્થા સ્વરૂપરાણી નેહરુ હૉસ્પિટલમાં કરવામાં આવી છે. એ દરેકને કહી દેવાયું છે કે કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા હૉસ્પિટલમાં જ હાજર રહો.
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન પછીનું આ મોટું સ્નાન છે. મૌની અમાવસ્યાના સ્નાન વખતે થયેલી ભાગદોડમાં ૩૦ યાત્રાળુઓનાં મોત થયાં હતાં અને ૬૦ જણ ઘાયલ થયા હતા. એથી આ વખતે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.