આશ્ચર્ય ! દેશમાં ખેડૂતો કરતાં બેરોજગારોએ વધુ આત્મહત્યા કરીઃ NCRB

11 January, 2020 01:24 PM IST  |  New Delhi

આશ્ચર્ય ! દેશમાં ખેડૂતો કરતાં બેરોજગારોએ વધુ આત્મહત્યા કરીઃ NCRB

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)એ બેરોજગારીને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એનસીઆરબીના ડેટા અનુસાર ૨૦૧૭-’૧૮માં ખેડૂતો કરતાં વધારે બેરોજગારોએ આત્મહત્યા કરી છે. એનસીઆરબી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર બેકારી અને બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરનારાઓની સંખ્યા ખેડૂતોની આત્મહત્યાની સંખ્યાથી વધારે છે. ૨૦૧૮માં ૧૨ હજાર ૯૩૬ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી, જ્યારે ૨૦૧૭માં ૧૦ હજાર ૩૪૯ ખેડૂતો, ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે. ૨૦૧૭માં ૧૨ હજાર ૨૪૧ બેરોજગાર લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે ખેતવ્યવસાય સાથે જોડાયેલા ૧૦ હજાર ૬૫૫ લોકોએ આત્મહત્યા કરી હતી. જોકે ૨૦૧૬માં બેરોજગારી કરતાં ખેડૂતોએ વધારે આત્મહત્યા કરી હતી. ૨૦૧૬માં ૧૧ હજાર ૩૭૯ ખેડૂતો અને ખેતમજૂરોએ પોતાનો જીવ આપી દીધો, જ્યારે આ સમયગાળામાં ૧૧,૧૭૩ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો : દિલ્હી પોલીસે જેએનયુ હિંસાના હુમલાખોરોના ફોટો જાહેર કર્યા

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં સૌથી વધારે આત્મહત્યા

ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. કુલ આત્મહત્યાઓના ૩૪.૭ ટકા મહારાષ્ટ્રમાં, ૨૩.૨ ટકા કર્ણાટકમાં, ૮.૮ ટકા તેલંગણમાં, ૬.૪ ટકા આંધ્ર પ્રદેશ અને ૬.૩ ટકા મધ્ય પ્રદેશમાં નોંધાયા છે.

new delhi national news