ભારત અને રશિયા વચ્ચે જમીન, સ્પેસ, ઍનર્જી સહિત ૧૫ કરાર પર હસ્તાક્ષર

05 September, 2019 08:17 AM IST  | 

ભારત અને રશિયા વચ્ચે જમીન, સ્પેસ, ઍનર્જી સહિત ૧૫ કરાર પર હસ્તાક્ષર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમ્યાન બંને દેશો વચ્ચે કુલ ૧૫ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતના ડેલિગેશન વચ્ચે ૨૦મું રાષ્ટ્રીય સંમેલન યોજાયું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં કુલ ૧૫ એમઓયુ કરવામાં આવ્યાં. જેમાં જમીન, સ્પેસ, એનર્જી, ડિફેન્સ સહિત ઘણાં ક્ષેત્રો સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે બંને દેશોની વચ્ચે કુલ ૧૫ એમઓયુ પર સહી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-૨માં રશિયાની જીતને ૭૫ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનું આમંત્રણ આપ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત-રશિયાની વચ્ચે ૨૦મી સમિટ છે, જ્યારે પ્રથમ સમિટ થઈ હતી ત્યારે હું ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીની સાથે આવ્યો હતો, ત્યારે પણ વ્લાદિમીર પુતિન અહીંના રાષ્ટ્રપતિ હતા. અમારી કોશિશ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના છે. ભારતમાં રશિયાના સહયોગથી ન્યુક્લિયર પ્લાન્ટ બની રહ્યો છે, અમારા સંબંધોને અમે રાજધાનીઓની બહાર પહોંચાડી રહ્યા છે. હું લાંબા સમય સુધી ગુજરાતનો સીએમ રહ્યો છું અને પુતિન પણ રશિયાના ક્ષેત્રને જાણે છે. થોડા દિવસો પહેલાં જ રશિયાનું એક પ્રતિનિધિમંડળ અહીં આવ્યું હતું અને ડીલ અંગે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

પીએમ બોલ્યા કે ભારત-રશિયા ડિફેન્સ, કૃષિ, ટુરિઝમ, ટ્રેડમાં આગળ વધી રહ્યું છે. સ્પેસમાં અમારો સહયોગ સતત આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવું અફઘાનિસ્તાનને જોવા માગે છે કે જે સ્વતંત્ર, શાંત અને લોકતાંત્રિક હોય. અમે બંને દેશો કોઈ દેશના આંતરિક મામલામાં દખલગીરી કરવાના વિરોધમાં છીએ. આગામી વર્ષે ભારત-રશિયા મળીને ટાઈગર કન્વર્ઝેશન પર મોટું ફોરમ કરવા સહમત થયા છે. મોદીએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પુતિનને આગામી વર્ષે એન્યુઅલ સમિટમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. 

national news narendra modi gujarati mid-day