Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

05 September, 2019 07:48 AM IST |
પ્રકાશ બાંભરોલિયા

બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું


આ ચોમાસામાં ભારે વરસાદે મુંબઈને બે જુલાઈ, ૧૦-૧૪ ઑગસ્ટ અને ગઈ કાલે એટલે કે ૪ સપ્ટેમ્બરે ચોથી વાર બાનમાં લીધું હતું. વહેલી સવારથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૮થી ૧૦ ઇંચ વરસાદ પડવાની સાથે સમુદ્રમાં મોટી ભરતી હોવાથી મોટા ભાગનાં શહેરમાં પાણી ફરી વળ્યું હતું. જ્યાં અગાઉ ક્યારેય પાણી નથી ભરાયું એવા સહેજ ઊંચા સ્થળે પણ આ વખતે પાણી ધસી આવતાં લોકો પરેશાન થઈ ગયા હતા. રેલવેના પાટા પર ત્રણેય લાઇન પર કેટલેક ઠેકાણે પાણી આવી જતાં ટ્રેનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. ભારે વરસાદથી રસ્તામાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ હતી તેમ જ જોરદાર પવનને લીધે હવાઈ માર્ગને પણ અસર થઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ હોવાથી શહેરભરમાં રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગઈ કાલે સવારે વરસાદ પડતો હોવા છતાં એ છેલ્લા ત્રણ દિવસની જેમ થોડી વારમાં બંધ થઈ જશે કે ઓછો થશે એમ માનીને મુંબઈગરાઓ કામકાજના સ્થળે ઘરેથી નીકળ્યા હતા. જોકે વરસાદનું જોર સતત વધતું જવાથી બપોરે બે વાગ્યા સુધીમાં તો ચારે તરફ પાણી-પાણી થઈ જતાં રોડ, રેલ અને હવાઈ માર્ગ ઠપ થઈ ગયા હતા. વેસ્ટર્ન રેલવેમાં નાલાસોપારા-વસઈ પાસે, સેન્ટ્રલ લાઇનમાં કુર્લા પાસે અને હાર્બરમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાતાં ટ્રેનવ્યવહાર બંધ કરી દેવો પડ્યો હતો. મોડી સાંજે વરસાદનું જોર ઘટતાં વેસ્ટર્ન લાઇનમાં પાણી ઓસરી જતાં ચર્ચગેટથી વિરાર સુધીની ટ્રેનો ચાલુ કરી દેવાથી અટવાઈ ગયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ટ્રેન અટકી-અટકીને ચાલતી હોવાથી તેઓ કલાકો બાદ ઘરે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અંધેરીમાં પરા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડવાથી વીરા દેસાઈ એરિયામાં ચારે બાજુ પાણી ભરાઈ જવાથી સ્કૂલની બસો અટકી ગઈ હતી. જે. બી. નગર મેટ્રો સ્ટેશન નજીક લોકોએ સ્કૂલનાં બચ્ચાંઓને બસમાંથી ઉતારીને સલામત સ્થળે પહોંચાડ્યાં હતાં. લગભગ આવી જ સ્થિતિ અનેક વિસ્તારમાં જોવા મળી હતી.




ટ્રાફિક જૅમમાં ફસાયા મુંબઈગરાઓ

સવારે જે લોકો વાહનોમાં કામકાજ માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે બપોર સુધીના ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાવાથી તેમણે પાછા ફરવાનું માંડી વાળ્યું હતું. જોકે સાંજે વરસાદનું જોર ઘટતાં આવા હજારો લોકો ફટાફટ ઘરે પહોંચવા માટે એકસાથે રસ્તામાં આવી જવાથી ટ્રાફિક જૅમમાં ફસાયા હતા. આ જૅમ એટલો સખત હતો કે વાહનો એક ઇંચ પણ આગળ નહોતાં વધી શકતાં એટલે રેણુકા શહાણે સહિતની સેલિબ્રિટીએ પણ કાર છોડીને પગપાળા નીકળવું પડ્યું હતું.


અંધેરીમાં સૌથી વધુ ૮ ઇંચ

હવામાન વિભાગ દ્વારા શહેરમાં વરસાદ નોંધવા માટેનાં ૧૫૦ વેધર સ્ટેશનોમાંથી ૧૦૦ વેધર સ્ટેશનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મિલીમીટર એટલે કે ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. પરા વિસ્તારમાં અંધેરીમાં સૌથી વધુ ૨૧૫.૩૫ મિલીમીટર તો દાદરમાં ૧૬૮.૧૫ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. વડાલામાં ૧૫૮ મિલીમીટર, ધારાવીમાં ૧૪૮ મિલીમીટર, હિંદમાતામાં ૧૧૩ મિલીમીટર તો પૂર્વના પરામાં વિક્રોલીમાં ૧૮૪ મિલીમીટર, કુર્લામાં ૧૪૭ મિલિમીટર, ભાંડુપ-નાહુરમાં ૧૪૪ મિલીમીટર, ચેમ્બુરમાં ૧૩૨ મિલીમીટર, ઘાટકોપર-વિદ્યાવિહારમાં ૧૨૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. પશ્ચિમનાં પરાંમાં અંધેરી (વેસ્ટ)માં ૨૦૦ મિલીમીટર, મરોલમાં ૧૮૩ મિલીમીટર, કાંદિવલીમાં ૧૭૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

કુર્લાના ૧૩૦૦ રહેવાસીઓને ઉગારાયા

ભારે વરસાદથી મીઠી નદીની સપાટી વધવાથી કુર્લા (વેસ્ટ)માં ઍરપોર્ટ પરિસરમાં ક્રાંતિનગર વિસ્તાર પાણીમાં ડૂબી જવાથી એનડીઆરએફ, નેવી અને પાલિકાના કર્મચારીઓએ બચાવકામગીરી આરંભીને અહીંના ૧૩૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

૨૪ પંપથી પાણીનો નિકાલ કરાયો

શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયું હોવાથી મુંબઈગરાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે મુંબઈનાં તમામ છ પમ્પિંગ સેન્ટરના ૪૩માંથી ૨૪ પમ્પ શરૂ કરાયા હતા. દરેક પમ્પિંગ સેન્ટર પર એ વિસ્તારની જરૂરિયાત મુજબ ૬થી ૧૦ જેટલા પમ્પ કામે લગાડાયા હતા. દરેક પમ્પ દર સેકન્ડે ૬ હજાર ૬૦૦ લીટર પાણી ફેંકવાની ક્ષમતાના છે.

ગણપતિ મંડપોની લાઇટ કપાઈ

સોસાયટીઓ ઉપરાંત રસ્તામાં સાર્વજનિક ગણેશોત્સવના બાંધેલા મંડપોમાં પણ વરસાદનું પાણી ઘૂસી જવાથી સલામતીનાં કારણસર અહીંની વીજળી કાપી નાખવામાં આવી હતી. આથી આયોજકો અને ગણેશભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા. મીરા રોડના કાશીમીરામાં એક વ્યક્તિનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જયપુર-દુરૉન્તોને બોરીવલી પર હૉલ્ટ...

જયપુર-મુંબઈ દુરૉન્તો એક્સપ્રેસને બોરીવલી રેલવે સ્ટેશન પર ભાઈંદરના રહેવાસી અને રેલવે પ્રવાસીની માગણી પર હૉલ્ટ કરાવવામાં આવી હતી. આ પ્રવાસીએ રેલવે અ‌ધિકારીને ફોન કરીને ‌વિનંતી કરી હતી એથી આ સુપરફાસ્ટ ટ્રેનને બોરીવલી રોકવામાં આવતાં અનેક પ્રવાસીઓ બોરીવલી ઊતરી શક્યા હતા.

વસઈથી ‌વિરાર રેલવે-ટ્રૅક પર લોકો ચાલવા મજબૂર...

નાલાસોપારામાં વૉટર લેવલ વધી જતાં રેલવે-ટ્રૅક પર પાણી ભરાયું હતું જેના કારણે વેસ્ટર્ન રેલવેની ટ્રેન-સ‌ર્વિસ પ્રભા‌વિત થઈ હતી અને પાણી ઓછું ન થાય ત્યાં સુધી સ‌ર્વિસ બંધ રાખવામાં આવી હતી. વહેલી સવારે કામ પર નીકળી ગયેલા લોકોને ઘરે પાછા વળતી વખતે ‌વસઈ સુધી જ ટ્રેન-સ‌ર્વિસ મળી હતી, પરંતુ એ બાદ ટ્રેન મોડી સાંજ સુધી ચાલુ થઈ નહોતી, જેથી કરીને વસઈ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આગળ ટ્રેન ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા હતા. સાંજ સુધી ટ્રેન ચાલુ ન થતાં અનેક પ્રવાસીઓ રીતસરના વસઈથી ‌વિરાર રેલવે-ટ્રૅક પર ચાલીને‌ ‌ લગભગ અઢીથી ત્રણ કલાકે વિરાર પહોંચ્યા હતા, જ્યારે ‌વિરારથી બોઇસર ‌સ‌ર્વિસ પ્રભા‌વિત થઈ હોવાથી રેલવે દ્વારા ‌વિશેષ ટ્રેનો શરૂ કરાઈ હતી.

ઘાટકોપર સ્ટેશન પર ધક્કામુક્કી

ગઈ કાલે બપોરે બદલાપુર જતી ટ્રેન ઘાટકોપર સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર પહોંચી ત્યારે બનેલી ધક્કામુક્કીની નાટ્યાત્મક ઘટનાનો વિડિયો સૉશ્યલ મીડિયા પર સૌથી વધારે ફરતો હતો. ટ્રેન હજી પ્લૅટફૉર્મ પર ઊભી રહે એ પહેલાં પુરુષોના ફર્સ્ટ ક્લાસમાં લોકો ધસી ગયા હતા. ટ્રેનમાં ચડતા અને ઉતરતા પ્રવાસીઓ સામસામે અથડાવાને કારણે પ્લૅટફૉર્મ પર ઘણા લોકો ગબડી પડ્યા હતા. એ ઘટનાને કારણે ગંભીર અકસ્માત થવાની આશંકા લોકોને સતાવતી હતી પરંતુ સદ્નસીબે એવું કંઈ બન્યું નહોતું.

આ પણ વાંચો: વરસાદ + મીઠી નદી + હાઈ ટાઈડ = 26/7નું રિપીટ

મેયરના જૂના બંગલાની દીવાલ પડી

બુધવારે મેયરના જૂના બંગલાની એક દીવાલ પર ૬૫ ફુટનું એક ગુલમહોરનું ઝાડ પડી જવાથી એ તૂટી પડી હતી. આ ઘટના બપોરે અંદાજે બે વાગે બની હતી. દીવાલની સાથે ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. જી નોર્થના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરનું આ અંગે કહેવું છે કે ‘આ રૂટ વિસર્જન માટે ઉપયોગમાં લેવાય છે. સારી વાત છે કે આ ઝાડ એક દિવસ પહેલાં ન પડ્યું. જેને લીધે જાનહાનિ થતી બચી ગઈ. ઝાડ અને દીવાલ પડી ગયા બાદ અમે બધો કાટમાળ હટાવી લીધો છે અને બેરિકેડ મૂકી દીધા છે જેથી કરીને લોકો બંગલાના વિસ્તારમાં પ્રવેશી ન શકે.’

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 07:48 AM IST | | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK