કાંદિવલીના પોઇસર જિમખાનામાં અને ગોરાઈના પેપ્સી ગ્રાઉન્ડમાં હજારોએ મોટા પડદે ફાઇનલ જોઈ

20 November, 2023 12:50 PM IST  |  Mumbai | Shirish Vaktania

પોઇસર જિમખાનાના મેદાનમાં ૫,૦૦૦ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી

કાંદિવલીના પોઇસર જિમખાનામાં વર્લ્ડ કપની ફાઇનલનું મોટી સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગ થયું હતું અને હજારો લોકોએ મૅચ માણી હતી (તસવીર : અનુરાગ અહિરે)

વર્લ્ડ કપ ફાઇનલની મૅચ લાઇવ જોવા માટે લોકોએ ભલે લાખ-લાખ રૂપિયાની ટિકિટો ખરીદી હોય, પરંતુ મુંબઈના કાંદિવલીમાં પોઇસર જિમખાના ખાતે તેમ જ ગોરાઈના પેપ્સી ગ્રાઉન્ડ ખાતે મફતમાં મૅચના લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હજારો લોકોએ મૅચની મજા માણી હતી. પોઇસર જિમખાનાના મેદાનમાં ૫,૦૦૦ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં લોકોએ મજા માણી હતી. મૅચ જોવા આવેલા લોકો માટે મફતમાં પાણી તેમ જ ખાણી-પીણી વ્યવસ્થા કરવામાં આવી હતી. મૅચ જોવા આવેલા દર્શકોએ આ વ્યવસ્થાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે અમને બહુ જ મજા આવી હતી. એક દર્શકે કહ્યું હતું કે અમને તો મજા પડી ગઈ.

અહીંની સઘળી વ્યવસ્થા ગોપાલ શેટ્ટીએ કરી હતી. ગોરાઈના પેપ્સી ગ્રાઉન્ડમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૧,૦૦૦ લોકો બેસીને મૅચ જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડની વ્યવસ્થાનું આયોજન ભૂતપૂર્વ કૉર્પોરેટર શિવા શેટ્ટીએ કર્યું હતું.

સ્થાનિક લોકો વિનામૂલ્ય વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મૅચની મજા માણી શકે એ માટે અમે પેપ્સી ગ્રાઉન્ડમાં ૧૦૦૦ બેઠકોની વ્યવસ્થા સાથે લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કર્યું હતું. : શિવા શેટ્ટી, ભૂતપૂર્વ કૉર્પોરેટર

વર્લ્ડ કપની ફાઇનલનું લાઇવ સ્ક્રીનિંગ મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં યુવક પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આશરે ૧૫૦૦થી ૨૦૦૦ ક્રિકેટપ્રેમીઓએ લાઇવ મૅચ જોઈને ક્રિકેટનો આનંદ માણ્યો હતો. અહીં સાંસદ મનોજ કોટકે ઉપસ્થિત રહીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

world cup india australia kandivli borivali mumbai mumbai news shirish vaktania