રાજ ઠાકરે કરશે BJP સાથે યુતિ?

19 March, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે MNSના ચીફ પુત્ર અમિત સાથે દિલ્હીમાં અમિત શાહને મળવા પહોંચ્યા

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સ્થાપક-અધ્યક્ષ રાજ ઠાકરે ગઈ કાલે સાંજે અચાનક પુત્ર અમિત સાથે મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા હતા. ચાર દિવસમાં તેઓ બીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ના અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓને મળવા પહોંચ્યા હોવાનું કહેવાય છે. રાજ ઠાકરેની આ મુલાકાતોથી તેઓ મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં જોડાઈ રહ્યા હોવાની છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી ચર્ચાને બળ મળ્યું છે. 

રાજ ઠાકરે દિલ્હી પહોંચ્યા એ પહેલાં મહારાષ્ટ્ર BJPના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે દિલ્હીમાં BJPની કોર કમિટીની બેઠકમાં સામેલ થયા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાએ ગઈ કાલે વિવિધ રાજ્યના પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકોનો સિલસિલો મોડે સુધી ચાલ્યો હતો. 

લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને બધા પક્ષો ઉમેદવારો ફાઇનલ કરી રહ્યા છે ત્યારે MNSને પણ પોતાના પક્ષે લેવા માટેનો પ્રયાસ BJP દ્વારા કરવામાં આવી રહ્યો છે એના અનુસંધાનમાં રાજ ઠાકરે દિલ્હી પહોંચ્યા હોવાનું કહેવાય છે. દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પર શિવસેનાની સાથે MNSનું પણ સારું વર્ચસ છે એટલે આ બેઠક MNSને આપીને BMC સહિત આ વર્ષના અંતમા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો હાથ મજબૂત કરવાનો પ્લાન BJPએ બનાવ્યો હોવાની ચર્ચા છે. જોકે સામે પક્ષે MNSએ BJP પાસે ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ચાર બેઠક માગી હોવાનું કહેવાય છે. MNSની ઇચ્છા દક્ષિણ મુંબઈ ઉપરાંત થાણે, નાશિક અને પુણેની બેઠક લડવાની છે. 
 

raj thackeray amit shah delhi news mumbai news maharashtra navnirman sena mumbai