એક જ દિવસમાં ટિકિટ વગરના ૫૧૦૦ મુસાફરો પાસેથી ૧૩.૫ લાખની વસૂલી

07 August, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી પર વેસ્ટર્ન રેલવેનું ઓપરેશન NAMASTE : ૩૦૦ ટિકિટચેકર અને પોલીસના ૫૦ જવાનોએ સપાટો બોલાવ્યો

ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર ટિકિટચેકિંગ સ્ટાફ.

ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હશે કે એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૫૧૦૦થી વધુ મુસાફરો પકડાયા હોય અને દંડની રકમ ૧૩ લાખ રૂપિયાને વટાવી ગઈ હોય. વેસ્ટર્ન રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરનારા લોકોને પકડવા માટે NAMASTE અભિયાન એટલે કે નમ્રતા (NAM) ઔર (A) સ્ટ્રૉન્ગ (S) ટિકિટ એક્ઝામિનેશન (TE) અભિયાન હાથ ધર્યું છે. એના અંતર્ગત ટિકિટચેકર્સ સરપ્રાઇઝ ચેક કરવા સાથે હાઈ ઇમ્પેક્ટ ચેક કરીને ટિકિટ વગર મુસાફરી કરતા લોકોને પકડે છે. આવા જ એક ચેકિંગ દરમ્યાન ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર ટિકિટચેકિંગ સ્ટાફના ૩૦૦ સભ્યો, રેલવે પ્રોટેક્શન ફોર્સના ૩૦ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસના ૨૦ જવાનો તહેનાત થયા હતા. તેમણે ગેરકાયદે મુસાફરી કરતા લોકોના ૫૧૯૨ કેસ નોંધીને ૧૩.૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં સબર્બન સેક્શનમાં ૨૬૦૦ કેસ નોંધાય છે અને ૮ લાખ રૂપિયા જેટલો દંડ વસૂલાય છે. આજે માત્ર બોરીવલી સ્ટેશનને જ ટાર્ગેટ કરીને ટિકિટ-ચેકિંગ સઘન બનાવાયું હતું.’

western railway mumbai railways mumbai trains mumbai local train mumbai railway vikas corporation indian railways news mumbai mumbai news borivali travel travel news railway protection force