જાગો ગ્રાહક જાગો

22 March, 2023 09:38 AM IST  |  Mumbai | Mehul Jethva

કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ ખરીદ્યા પછી જો કોઈ ફરિયાદ હોય તો વેઇટ ઍન્ડ મેઝર ડિપાર્ટમેન્ટને કરો ફરિયાદ : ગયા વર્ષે આવા બનાવમાં ૮૦૦૦ લોકો પર કાર્યવાહી થઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

માપમાં પાપ કરનારા અને ઓવરચાર્જિંગ કરીને વસ્તુઓ વેચતા લોકો સામે રાજ્યના વેઇટ ઍન્ડ મેઝર ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગયા વર્ષે આઠ હજાર લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વિક્રેતાઓ સાથે સંકળાયેલી મોટી બ્રૅન્ડ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને અપીલ કરતાં ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પોતાની ફરિયાદ ઑનલાઇન સ્વરૂપે નોંધ કરી શકે છે.

ખાદ્ય પદાર્થ, કરિયાણાની દુકાનો, મીઠાઈની દુકાનો, હોટેલો, પૅકેજ કરેલી વસ્તુઓ વેચતા વેપારીઓ અમુક વાર વસ્તુઓની એમઆરપી લખતા નથી તો ક્યારેક વેચેલી વસ્તુના માપમાં ગરબડ કરતા જોવા મળે છે. કેટલીક વાર તો ઓવરચાર્જિંગ કરીને વધુ પૈસા લેવામાં આવતા હોય છે જેને કારણે લોકોને નુકસાની ભોગવી પડતી હોય છે. આવા લોકો પર કાર્યવાહી કરતી રાજ્યની વેઇટ ઍન્ડ મેઝર ડિપાર્ટમેન્ટની ટીમે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પાણીની બૉટલથી માંડીને, ઓવરચાર્જ કિંમત, વસ્તુનું પૅકેજિંગ બધું બરાબર છે કે નહીં એ જોવું જરૂરી છે. વિભાગ દ્વારા પેટ્રોલ-પમ્પ, શુગર ફૅક્ટરીઓ, મીઠાઈના વેપારીઓ, જ્વેલરી, મૉલ, સ્ટેશનરી, દૂધ અને દૂધની બનાવટો વેચતા આઠ હજાર લોકો પર ગયા વર્ષે કાર્યવાહી કરવામાં આવી હતી. અપૂરતા માનવબળ સાથે પણ રાજ્યભરમાં ટીમ દ્વારા કાર્યવાહીની ઝડપ વધી છે. તમારા ધ્યાનમાં આવતી ફરિયાદો ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.’

વેઇટ ઍન્ડ મેઝરમેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારી વિનોદ વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રાહકો જાગો, કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ ખરીદ્યા પછી એ યોગ્ય છે કે નહીં એ જોવું જ જોઈએ. કોઈ પણ બાબતમાં શંકા હોય તો લેનાર વ્ય​ક્તિને તરત જ એના વિશે પૂછવાનો અને ખાતરી કરવાનો અધિકાર છે. જો કોઈ એનો વિરોધ કરે તો તેની અમારી પાસે ફરિયાદ કરી શકો છો. અમારો વિભાગ તમને સેવા આપવા માટે ૨૪ કલાક કાર્યરત છે. આ ઉપરાંત ઑનલાઇન સેવા પણ ઉપલબ્ધ છે.’

આ વિશે વધુ માહિતી આપતાં વિનોદ વાઘમારેએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે આવેલી આઠ હજાર ફરિયાદમાં મોટા ભાગની ફરિયાદ પૅકેજિંગ વસ્તુઓની હતી. જે વસ્તુ વેચવામાં આવી હતી એના પૅકેટ પર તમામ માહિતી હોવી જોઈએ; જેમ કે બનાવનારનું નામ, વસ્તુનું ચોક્કસ વજન, એની કન્ટેન્ટ, ક્યાં બનાવામાં આવી એની માહિતીઓ વગેરે. જો તમારે તેમની વિરુદ્ધ અમારી પાસે ફરિયાદ કરવી હોય તો ૦૨૨-૨૬૨૨૦૨૨ નંબર પર કરી શકો છો.’

mumbai mumbai news consumer court mehul jethva