અમે 5 વર્ષ પુરા કરીશું, રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે : શરદ પવાર

15 November, 2019 07:49 PM IST  |  Mumbai

અમે 5 વર્ષ પુરા કરીશું, રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે : શરદ પવાર

શરદ પવાર અને શિવસેના (PC : Jagran)

મહારાષ્ટ્રમાં ચુંટણીનું પરીણામ આવ્યા બાદ પણ હજુ રાજ્યમાં સરકાર બની નથી. ત્યારે રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ચહલપહલ બાદ શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે થયેલી બેઠક બાદ કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) ની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. આ અંગે NCP નેતા શરદ પવારે કહ્યું છે કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી સરકાર 5 વર્ષ પૂરા કરશે. અમે મુલાકાત માટે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 3 વાગ્યાનો સમય માંગ્યો છે.

પાર્ટીઓ સ્થિર સરકાર ઇચ્છે છે : શરદ પવાર
શરદપવારે કહ્યું પાર્ટીઓ સ્થિર સરકાર ઈચ્છે છે, તેમનો હેતુ વિકાસ કરવાનો છે. વચગાળાની ચૂંટણીની કોઈ શક્યતા નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. અમે બધાએ વચન આપીએ છીએ કે સરકાર પાંચ વર્ષ ચાલશે. તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન 6 મહિના કરતા વધારે નહીં ચાલે. આ વિશે પૂછવામાં આવેલા સવાલ વિશે પવારે કહ્યું છે કે, હું દેવેન્દ્રજીને અમુક વર્ષોથી ઓળખું છું પરંતુ મને એ નથી ખબર કે તેઓ જ્યોતીષ પણ છે.

કોમન મિનિમમ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે- શિવસેના
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે શુક્રવારે કહ્યું છે કે, કોમન મિનિમમ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રના હિતોને ધ્યાનમાં રાખવામા આવશે. પૂરા 5 વર્ષ શિવસેનાના જ મુખ્યમંત્રી રહેશે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, શિવસેના સાથે આવવાથી કોંગ્રેસને થોડી તકલીફ થઈ રહી છે. ડ્રાફ્ટની કોપી સોનિયા ગાંધીને મોકલવામાં આવી છે. જો કોંગ્રેસ સાથે નહીં આવે તો અમે સરકાર નહીં બનાવીયે.

શિવસેના સામે મુકી કટ્ટરવાદી છબીમાંથી બહાર આવવાની શરત
કોંગ્રેસ અને એનસીપીએ શિવસેના સામે કટ્ટરવાદીની હિન્દુવાદી પાર્ટીની છબીમાંથી બહાર આવવાની શરત મુકી છે. કોંગ્રેસને શિવસેનાને સમર્થન આપવામાં સૌથી મોટી મુશ્કેલી તેમની આ છબીના કારણે જ થઈ છે. જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 17 નવેમ્બરે દિલ્હીમાં શિવસેના સાથે ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દે ચર્ચા કરવાના છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ચાર ધારાસભ્યોએ એક મંત્રીની ફોર્મ્યૂલા પર સહમતી
શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન સરકાર વિશે તૈયાર સીએમપી ડ્રાફ્ટમાં આ વિશે સહમતી બની છે કે, દરેક પાર્ટીના ચાર ધારાસભ્યએ એક મંત્રી બનાવાશે. આ ફોર્મ્યૂલા લગભગ નક્કી છે. શિવસેનાના 56 ધારાસભ્યો છે. તેમને અન્ય સાત ધારાસભ્યોનું સમર્થન છે. આમ શિવસેનાના કુલ 63 ધારાસભ્યો છે. આ સંજોગોમાં તેમને 15 અથવા 16 મંત્રી મળશે. એનસીપીના 11 અથવા 12 મંત્રી હશે. કોંગ્રેસના 44 ધારાસભ્યો છે, તેથી તેમને 11 મંત્રી મળશે.

mumbai news sharad pawar shiv sena