સરકારમાં ન્યાય ન મળતો હોવાથી રાજ્યપાલ પાસે જવું પડે છે: બીજેપી

01 November, 2020 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારમાં ન્યાય ન મળતો હોવાથી રાજ્યપાલ પાસે જવું પડે છે: બીજેપી

પ્રવીણ દરેકર

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મુલાકાત લીધા બાદ શરૂ થયેલી રાજકીય ચર્ચા અટકવાનું નામ નથી લેતી. શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે આ બાબતે ટીકા કર્યા બાદ વિધાન પરિષદના વિરોધી પક્ષના નેતા પ્રવીણ દરેકરે સંજય રાઉતને જવાબ આપતાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નેતાઓનું કામ કરતા ન હોવાથી તેમણે રાજ્યપાલ પાસે જવું પડે છે.

પ્રવીણ દરેકરે સંજય રાઉતને આપેલા જવાબમાં એમ પણ કહ્યું હતું કે તમે એટલે આખું મહારાષ્ટ્ર નથી એ ધ્યાનમાં રાખો. શિવસેનાએ આવા ભ્રમમાંથી વહેલાસર બહાર આવવું જોઈઅે. આ રાજ્યનો દરેક નાગરિક મહારાષ્ટ્ર છે. રાજ્યની કોઈ સમસ્યાનો જવાબ સરકાર પાસેથી ન મળે તો બધા રાજ્યપાલને મળી રહ્યા છે.

પ્રવીણ દરેકરે વધુમાં કહ્યું હતું કે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પણ આવી જ ભાવનાથી રાજ્યપાલને મળ્યા હતા. આ પહેલાં પણ નેતાઓ રાજ્યપાલને મળતા આવ્યા છે એ જોવું જોઈએ. મુખ્ય પ્રધાન અને પ્રધાનો ન્યાય આપતા નથી. તેઓ જો કામ કરતા હોત તો રાજ ઠાકરે કે સામાન્ય માણસોએ રાજ્યપાલને મળવાની જરૂર જ ન રહે.

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનને બદલે નેતાઓ રાજ્યપાલને મળે એ મહારાષ્ટ્રનું અપમાન છે. બીજી કોઈ સમસ્યા હોય તો ઠીક છે, પરંતુ વીજળીના બિલ માટે રાજ્યપાલને મળવા કોઈ નેતા ગયા હોય એવું અગાઉ જોયું નથી. રાજભવન એ રાજકારણની જગ્યા નથી.

mumbai mumbai news indian politics bharatiya janata party shiv sena maharashtra